BJP Internal Dispute : વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં ભારતીય જનતા પાર્ટીની અંદરની ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં આવી છે. વોર્ડ સ્તરના એક કાર્યક્રમ દરમિયાન કોર્પોરેટરને આમંત્રણ ન મળતા વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 16ની મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે સોશિયલ મીડિયા પર વોર્ડના મહામંત્રી સામે આકારા શબ્દોમાં સીધી ટકોર કરી હતી. જેના પગલેરાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
મહિલા કોર્પોરેટરએ વ્યકત કરી નારાજગી
રવિવારે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં SIR પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી જસવંતસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વોર્ડ મહામંત્રી પરેશ પટેલે સોશિયલ મીડિયા પર કાર્યક્રમ સંબંધિત તસવીરો અને માહિતી જાહેર કરી હતી.
પરંતુ આ સમગ્ર આયોજન અંગે વોર્ડના ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલને અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ બાબતને લઈને તેઓ નારાજ થયા હતા અને ત્યારબાદ મામલો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે.
“હું પણ BJPની જ ચૂંટાયેલી પ્રતિનિધિ છું”
વોર્ડ નંબર 16ની મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, “’પરેશભાઈ, તમે વોર્ડ નંબર 16 ના મહા મંત્રી છો અને શહેર મહા મંત્રી જસવંતસિંહ વોર્ડમાં આવ્યા હોય તેવા મેસેજ અમને મળતા નથી. આજે મારે જાહેરમાં લખવું પડે છે કે હું પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી ચૂંટાઈને આવેલી છું. આ વોર્ડમાં વર્ષો સુધી કોંગ્રેસના કોર્પોરેટર હતા એટલે કદાચ તમે ભૂલી જતા હશો, પણ હું ભાજપની કોર્પોરેટર છું તે સંગઠનને યાદ રહે એટલે આ લખું છું.’
સ્નેહલબેન પટેલે આગળ જણાવ્યું કે, અગાઉ પૂછવા છતાં કાર્યક્રમના સમય અને સ્થળ વિશે કોઈ ફોન અથવા સંદેશ આપવામાં આવ્યો નહોતો. આ નિવેદન બાદ વોર્ડ 16માં BJPની આંતરિક જૂથબંધી ફરીથી ચર્ચામાં આવી છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
પક્ષનાના મોવડીમંડળની ભૂમિકા પર પ્રશ્નો
વડોદરા ભાજપમાં સંગઠન અને કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ નવી વાત નથી. થોડા સમય પહેલા વોર્ડ નંબર 15માં પણ આવા જ મુદ્દાઓ ઊભા થયા હતા, જ્યાં મહિલા કોર્પોરેટરોને કાર્યક્રમોની અગાઉથી જાણ ન કરાતા વિવાદ શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો.
હવે વોર્ડ 16માં પણ સંગઠન અને લોક પ્રતિનિધિ વચ્ચે ખુલ્લો વિવાદ સામે આવ્યો છે, જેના કારણે પક્ષના મોવડીમંડળની ભૂમિકા પર પ્રશ્નો ઉઠ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે ભાજપના નેતૃત્વ દ્વારા શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: જુનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્યની દાદાગીરી, ભેસાણ તાલુકા પંચાયતના ઇજનેરને જાહેરમાં માર્યો માર
આ પણ વાંચો: નવા સંગઠન બાદ કમલમમાં ભાજપની પહેલી બેઠક, ચૂંટણી રણનીતિ પર મંથન
આ પણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે
