Jamnagar Parachute Accident : જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના સામે આવી છે. કાલાવડની હેલીપેડ સોસાયટીમાં એક અજાણ્યો યુવક પેરાશૂટ (Parachute) સાથે આકાશમાંથી સીધો વીજ વાયર પર આવી પટકાયો હતો. આ વિચિત્ર દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સૌથી વધુ નવાઈની વાત એ છે કે 100 ફૂટની ઊંચાઈએથી પટકાયા બાદ પણ આ યુવક ત્યાંથી ઊભો થઈને ફરાર થઈ ગયો હતો.
વીજ વાયરમાં ફસાયું Parachute અને થયો ધડાકો
કાલાવડના મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીના રહીશો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમણે આકાશમાંથી એક વ્યક્તિને પેરાશૂટ સાથે નીચે આવતી જોઈ. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક લગભગ 100 ફૂટની ઊંચાઈએ હતો ત્યારે તેનું પેરાશૂટ અચાનક વીજ વાયરોમાં ફસાઈ ગયું હતું. વાયરો સાથે અથડાતા જ યુવક જોરભેર જમીન પર પટકાયો હતો. સદનસીબે વીજ કરંટ ન લાગતા મોટી જાનહાનિ ટળી હતી.

યુવક કોણ હતો? પોલીસ માટે મોટું રહસ્ય
ઘટના બાદ જ્યારે લોકો મદદ માટે દોડી આવ્યા, ત્યાં સુધીમાં તો આ ‘પેરાશૂટ મેન’ પોતાનો સામાન સંકેલીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. તે કોણ હતો? તેણે ક્યાંથી ઉડાન ભરી હતી? અને આ રહેણાંક વિસ્તારમાં ઉતરવાનું કારણ શું હતું? તે હજુ સુધી એક રહસ્ય છે. કાલાવડ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો
આસપાસની અગાસી પર ઉભેલા લોકોએ આ અદભૂત અને ડરામણા દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ લોકો અલગ-અલગ તર્ક લગાવી રહ્યા છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી આ રહસ્યમય યુવક સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો: ઈસરોના ગગનયાન મિશનની પેરાશૂટ સિસ્ટમનું પરીક્ષણ કરાયું, જાણો કેમ કરાયો આ ટેસ્ટ
આ પણ વાંચો: પેરાશૂટની સફરનો શોખ છે પણ જરા સંભાલ કે..આ કિસ્સો વાંચજો
આ પણ વાંચો: હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો
