Gujarat News/ ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં 2.23 કરોડથી વધુ ધરતીપુત્રોએ વિનામૂલ્યે સોઈલ હેલ્થ કાર્ડ કઢાવ્યા

ગુજરાતમાં સોઈલ ટેસ્ટિંગ માટે 22 લેબ કાર્યરત – 12 તત્વોનું થાય છે પરીક્ષણ

Top Stories Gujarat
Soil Health Card

Soil Health Card: ભાવનગરના ગારિયાધાર ગામના ખેડૂત હિરેન નાકરાણી પાસે 12 વીઘા જમીન છે. તેઓ વર્ષોથી કપાસનો પાક વાવે છે. કપાસના પાકમાં તેઓ વર્ષે 400 કિલો યુરિયા અને 290 કિલો ડી.એ.પી.નો વપરાશ કરતા હતા. જેથી તેમનો ખેતી ખર્ચ વધુ રહેતો અને ઉત્પાદન માત્ર 200 મણ જેટલું જ થતું હતું.

 હિરેનએ ગ્રામસેવકની સલાહથી ભાવનગરની સોઇલ ટેસ્ટિંગ પ્રયોગશાળામાં ખેતરની માટીનું પરીક્ષણ કરાવ્યું. માટીના પરીક્ષણ બાદ સોઇલ હેલ્થ કાર્ડમાં આપેલી ભલામણો મુજબ તેમના ખેતરમાં યુરિયાનો વપરાશ 180 કિલો, જ્યારે ડી.એ.પી.નો વપરાશ 140 કિલો થઈ ગયો. આમ, 220 કિલો યુરિયાની અને 150 કિલો ડી.એ.પી.ની બચત થતાં ખેતી ખર્ચ અડધો થઈ ગયો. વળી, વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખાતરના ઉપયોગથી ઉત્પાદન પણ 200 મણથી વધીને 281 મણ થયું.

હિરેન કહે છે, “પહેલાં અમે અંધારામાં તીર મારતા હતા. વધુ ઉત્પાદન મેળવવા આડેધડ ખાતરની થેલીઓ ઠાલવતા રહ્યા અને જમીન બગાડતા રહ્યા. પણ જ્યારે હાથમાં સોઇલ હેલ્થ કાર્ડ આવ્યું, ત્યારે ખબર પડી કે આ તો આપણી જમીનનો એક્સ-રે રિપોર્ટ છે. હવે ભલામણ મુજબ જેટલી જરૂર છે, એટલું જ ખાતર આપીએ છીએ. જેથી ખર્ચ અડધો થઈ ગયો અને પાક મબલખ થયો.

ભાવનગરના હિરેનની જેમ રાજ્યના લાખો ખેડૂતોએ છેલ્લા બે દાયકામાં 2.23 કરોડથી પણ વધુ સોઈલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે કઢાવ્યા છે. ચાલુ વર્ષે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી જમીનના 2. 18 લાખ નમૂના તપાસીને સોઇલ હેલ્થ કાર્ડ કાઢવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સોઈલ હેલ્થ કાર્ડથી ખેતીનો ખર્ચ ઘટવા અને આવક વધવા ઉપરાંત જમીન વધુ સ્વસ્થ અને ફળદ્રુપ પણ બને છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ખેડૂત અરુણ મેણિયાએ પણ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, “સોઈલ હેલ્થ કાર્ડ”ના પગલે જમીનનું પરીક્ષણ થયું અને મેં સેન્દ્રીય ખાતરનો વપરાશ શરૂ કર્યો. જેના પગલે કઠણ થઈ ગયેલી મારા ખેતરની જમીન નરમ બની અને જમીનની ભેજસંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થઈ.” આમ,  હિરેન અને  અરુણ જેવા અનેક ખેડૂતોની ખેતીમાં સોઇલ હેલ્થ કાર્ડથી મોટું પરિવર્તન આવ્યું છે.

સોઈલ હેલ્થ કાર્ડ શું છે અને ખેડૂતને તેનાથી શો ફાયદો થાય છે?

ગાંધીનગર સોઇલ ટેસ્ટિંગ લેબના મદદનીશ ખેતી નિયામક પારુલ પરમાર જણાવે છે કે, સોઈલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ૬ મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ જેવા ૬ સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. ગુજરાતમાં હાલમાં જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને એક સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે.

સોઇલ ટેસ્ટિંગ માટે જમીનનું સેમ્પલ કેવી રીતે લેવું?

મદદનીશ ખેતી નિયામક રાકેશ સાપરિયા જણાવે છે કે, સોઇલ હેલ્થ કાર્ડથી સચોટ પરિણામ મેળવવા માટે નિયત પદ્ધતિથી જમીનનું સેમ્પલ લેવું ખૂબ જ જરૂરી છે. ખેતરના શેઢા, રસ્તા, પાણી ભરાતા વિસ્તાર કે વૃક્ષના છાયડાથી દૂર રહીને એક હેક્ટરમાં 10 થી 20 અલગ જગ્યાએથી ઝિગ-ઝેગ મેથડ દ્વારા 15 થી 20 સે.મી. ઊંડો ખાડો કરીને સેમ્પલ લેવું. એકત્રિત કરેલી માટીને વ્યવસ્થિત મિશ્ર કરી, તેને ચાર ભાગમાં વહેંચી બે ભાગ દૂર કરવા. ત્યારબાદ ફરી એકવાર માટી મિશ્ર કરીને તેમાંથી ૫૦૦ ગ્રામ માટીનો નમૂનો ટેસ્ટિંગ માટે મોકલવાથી પરિણામ સચોટ મળે છે.

સોઈલ હેલ્થ કાર્ડનો વિચાર અને વ્યાપ

વર્ષ 2003-04માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ જોયું કે, રાજ્યમાં આડેધડ રાસાયણિક ખાતરોના વપરાશથી ધરતી માતા પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. તેમણે વિચાર્યું કે, જો મનુષ્યના શરીરની તપાસ માટે લેબોરેટરી ટેસ્ટ થઈ શકતા હોય, તો ધરતી માતાની તંદુરસ્તી કેમ ન ચકાસી શકાય? આ વિચારમાંથી જન્મ થયો ‘સોઇલ હેલ્થ કાર્ડ યોજના’નો.

ગુજરાતે દેશમાં સૌપ્રથમ આ પ્રયોગ કર્યો અને તેના હકારાત્મક પરિણામો જોઈને, વર્ષ 2015માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ આ યોજનાને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી. આજે વડાપ્રધાન તરીકેના તેમના શાસનકાળની આ એક એવી મૌન ક્રાંતિ છે, જેણે દેશના અનેક ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવ્યા છે.

દેશના એક નાના ગામમાં બેસીને જ્યારે કોઈ ખેડૂત વિજ્ઞાન અને ખેતીના સમન્વયની આ વાત કરે છે, ત્યારે સમજાય છે કે વડાપ્રધાન તરીકે  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ગ્રામીણ અર્થતંત્રમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’નો જે નારો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પરથી ગુંજ્યો હતો, તે આજે દેશના કરોડો ખેડૂતોની જિંદગી બદલનારો મહામંત્ર બની ચૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના વર્ષો એ વાતની સાબિતી છે કે, સાચી ક્રાંતિ જમીન સાથે જોડાયેલી હોય છે. સોઇલ હેલ્થ કાર્ડ આજે ભારતીય કૃષિ ક્ષેત્રનું રક્ષણકવચ બની ગયું છે. જ્યારે દેશની જમીન સ્વસ્થ બને છે, ત્યારે જ દેશનો ખેડૂત સમૃદ્ધ બને છે અને એ સમૃદ્ધિ જ ‘આત્મનિર્ભર ભારત’નો સાચો પાયો છે.


આ પણ વાંચો: વલસાડના પલસાણામાં અબોલ પશુઓ પર એસિડ એટેક: 5 જેટલા પશુઓ ગંભીર રીતે દાઝ્યા, ગ્રામજનોમાં રોષ

આ પણ વાંચો: ગાંધીનગરમાં મિત્રે જ રચ્યું મોતનું કાવતરું: પત્નીના એકતરફી પ્રેમમાં ટ્રકચાલકની હત્યા, મનપાના માળી સહિત 3 ઝડપાયા

આ પણ વાંચો: મહેસાણામાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ: શાળા, મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યાનો આરોપ, 14 સામે ગુનો