Gujarat News : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે વાહનચાલકો માટે દરેક ટીપું ઇંધણ મહત્વનું બની ગયું છે. મોટાભાગના લોકો પેટ્રોલ પંપ (Petrol Pump)પર ઇંધણ ભરાવતી વખતે મીટર પર ‘0’ જોવાની ખાતરી કરે છે, પરંતુ માત્ર એટલું કરવાથી જ છેતરપિંડીથી બચી શકાય એવું નથી. કેટલીક જગ્યાએ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ઓછું ઇંધણ આપવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
વાતોમાં ફસાવીને કરવામાં આવે છે ગડબડ
કેટલાક કિસ્સાઓમાં બે કર્મચારીઓ મળીને ગ્રાહકનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. એક કર્મચારી ગ્રાહક સાથે વાતચીતમાં વ્યસ્ત રાખે છે, જ્યારે બીજો ઇંધણ ભરવાની પ્રક્રિયા દરમિયાન ગડબડ કરે છે. આવી સ્થિતિમાં ગ્રાહકનું ધ્યાન મીટર અને નોઝલ પરથી હટી જાય છે અને ઓછું ઇંધણ મળવાની શક્યતા વધી જાય છે.
રીડિંગ વચ્ચે રોકીને થાય છે ગેરસમજ

માનો કે ગ્રાહકે 1000 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહ્યું હોય. કર્મચારી પેટ્રોલ ભરવાનું શરૂ કરે અને વચ્ચે કોઈ બહાનું બતાવી પ્રક્રિયા અટકાવી દે. ત્યારબાદ મીટર રીસેટ કર્યા વગર ફરી ઇંધણ ભરવામાં આવે તો ગ્રાહકને વાસ્તવિક રકમ અને ભરાયેલા ઇંધણ વચ્ચેનો તફાવત સમજાતો નથી. આવી સ્થિતિમાં ગ્રાહકને ઓછું ઇંધણ મળી શકે છે.
નોઝલ અને પાઇપમાં ઇંધણ અટકાવવાની યુક્તિ
કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો ઇંધણ ભરવાની પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો નોઝલ અથવા પાઇપમાં થોડું ઇંધણ અટકી શકે છે. જોકે આ પ્રમાણ સામાન્ય રીતે ખૂબ ઓછું હોય છે, તેમ છતાં ગ્રાહકે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવી જરૂરી છે.
છેતરપિંડીની શંકા થાય તો શું કરવું?
જો તમને લાગે કે ઇંધણ ઓછું આપવામાં આવ્યું છે તો તરત જ પંપ મેનેજરનો સંપર્ક કરો. પેટ્રોલ પંપ (Petrol Pump)પર પ્રમાણિત 5 લિટર માપણી જાર ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા ઇંધણની માત્રા ચકાસી શકાય છે. ઉપરાંત, ફરિયાદ પુસ્તિકામાં લેખિત ફરિયાદ નોંધાવી શકાય છે અથવા સંબંધિત પેટ્રોલિયમ કંપનીની ગ્રાહક સેવા પર સંપર્ક કરી શકાય છે.
પેટ્રોલ પંપ (Petrol Pump) પર આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- મીટર પર જીરો હોવાની ખાતરી કરો.
- ઇંધણ ભરાવતી વખતે મોબાઇલ અથવા વાતચીતમાં વ્યસ્ત ન રહો.
- મીટરનું આખું રીડિંગ ધ્યાનથી જુઓ.
- રસીદ લેવાનું ભૂલશો નહીં.
- કોઈ શંકા થાય તો તરત જ તપાસની માંગ કરો.
પેટ્રોલ પંપ (Petrol Pump)પર માત્ર મીટર પર જીરો જોવું પૂરતું નથી. ઇંધણ ભરાવવાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવી અને જાગૃત ગ્રાહક બનવું જરૂરી છે. થોડી સાવચેતી તમારા પૈસા અને સમય બંને બચાવી શકે છે.
