Jharkhand News: ઝારખંડમાં ચોમાસા પૂર્વે બદલાયેલા હવામાન વચ્ચે આકાશી વીજળી જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ તેમજ એક 10 વર્ષનો બાળક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, રાંચી અને ગઢવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે, જ્યાં બે-બે લોકોના જીવ ગયા છે. રાંચી જિલ્લાના પિથોરિયા પોલીસ મથક વિસ્તારના બઢહૂ ગામના જીતુ મહલી (55) અને કટમકુલી ગામની નિરાશા દેવી (33) ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પિથોરિયા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ, ગઢવા જિલ્લાના ખરૌંધી વિસ્તારના સુન્ડી ગામની રીના દેવી (30) અને કેતાર વિસ્તારના મુકુન્દપુર ગામના રહેવાસી રામ અવતાર પાલ (65) પણ આકાશી વીજળીનો ભોગ બન્યા હતા.
આ ઉપરાંત, ચતરા, ગિરિડીહ અને સરાયકેલા-ખરસાવાં જિલ્લાઓમાં પણ વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં વધુ ત્રણ લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વજ્રપાત અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને ખુલ્લા મેદાનો, ખેતરો અને વૃક્ષોની નીચે ઉભા ન રહેવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
