India Weather Update: દેશભરમાં ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 14 જૂન માટે દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વાવાઝોડા (storm) ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
IMDએ જણાવ્યું છે કે ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય રહેશે. ભારે પવન અને ગાજવીજને કારણે વૃક્ષો ધરાશાયી થવાની, વીજ પુરવઠા પર અસર થવાની તેમજ વીજળી પડવાની ઘટનાઓ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો અને માછીમારો માટે ખાસ એલર્ટ
હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેત રહેવા સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના હોવાથી ઉભા પાકને નુકસાન પહોંચી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આ 19 રાજ્યો માટે ચેતવણી
હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, કેરળ, તમિલનાડુ, ત્રિપુરા અને મેઘાલયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
લોકોને શું સલાહ?
હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ખુલ્લા મેદાનો અને વૃક્ષોની નજીક ઉભા ન રહેવા તેમજ ગાજવીજ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે. આગામી 24 કલાક દરમિયાન હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
