New Delhi : દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી ભાગીરથ ચૌધરી (Bhagirath Choudhary)મોટા વિવાદમાં સપડાયા છે. તેમને પોતાના જ મંત્રાલય હેઠળ ચાલતી એક સરકારી યોજનામાંથી રાજસ્થાનમાં કાકડીની ખેતી કરવા માટે આશરે 99.60 લાખ રૂપિયા (લગભગ 1 કરોડ)ની માતબર સબસિડી મળી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બોર્ડ દ્વારા આ નાણાં મંજૂર કરવામાં આવ્યા છે, મંત્રી પોતે તેના હોદ્દાની રૂએ ઉપાધ્યક્ષ છે. આ મામલે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ખેતરમાં લાગેલા સાઇનબોર્ડે ખોલ્યો મંત્રી ભાગીરથ ચૌધરી (Bhagirath Choudhary)નો રાજ
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના અહેવાલ મુજબ, રાજસ્થાનના અજમેર (Ajmer) સ્થિત ‘પીહ’ ગામમાં મંત્રી ભાગીરથ ચૌધરીનું એક વિશાળ ખેતર આવેલું છે. આ ખેતરમાં એક કૃત્રિમ તળાવ અને ચાર મોટા હાઇટેક પોલીહાઉસ બનાવવામાં આવ્યા છે. આ ખેતરની બહાર લાગેલા એક સફેદ રંગના સરકારી સાઇનબોર્ડે આ આખા મામલાનો ભાંડો ફોડ્યો છે.
સાઇનબોર્ડ પર શું લખ્યું છે?
“રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB), કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સહાયપ્રાપ્ત.” આ બોર્ડ પર લાભાર્થી તરીકે ખુદ કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરીનું નામ છે અને સબસિડીની રકમ 99,60,000 રૂપિયા સ્પષ્ટ લખેલી છે.
સબસીડીની માત્ર 14 દિવસમાં જ મંજૂરી!
તપાસમાં સામે આવ્યું છે કે રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) ની કોમર્શિયલ બાગાયત વિકાસ યોજના હેઠળ વર્ષ 2025માં દેશભરમાંથી 467 પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા હતા, જેમાં મંત્રીજીના 16,592 ચોરસ મીટરમાં ફેલાયેલા કાકડીની ખેતીના પ્રોજેક્ટનો પણ સમાવેશ થતો હતો. મંત્રીએ 15 એપ્રિલ 2025ના રોજ અરજી કરી હતી અને નિયમોને નેવે મૂકીને માત્ર 14 દિવસની અંદર તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ હતી. માર્ચ 2026માં ફાઇનલ અપ્રૂવલ મળતા જ 99 લાખથી વધુની સબસિડી સીધી તેમના લોન ખાતામાં જમા થઈ ગઈ હતી.
સવાલોના ઘેરામાં કેન્દ્રીય મંત્રી: PMO થી માહિતી છુપાવી?
આ સબસિડી મંજૂર થતાં જ રાજકીય અને વહીવટી વર્તુળોમાં હોબાળો મચી ગયો છે કારણ કે, ભાગીરથ ચૌધરી જે રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) ના વાઇસ-ચેરમેન છે, તે જ બોર્ડે તેમના પ્રોજેક્ટને મંજૂરી આપી. આ ઉપરાંત આ પ્રોજેક્ટ પાસ થવાના એક મહિના પહેલા જ મંત્રીએ વડાપ્રધાન કાર્યાલય (PMO) સમક્ષ પોતાની મિલકતો જાહેર કરી હતી. તેમાં તેમણે જમીનનો ઉલ્લેખ તો કર્યો, પરંતુ આ પેન્ડિંગ સબસિડી પ્રોજેક્ટની વિગતો છુપાવી રાખી હતી.
શું છે મંત્રાલયની યોજના?
આ સરકારી યોજના હેઠળ શિમલા મરચાં, ટામેટા અને કાકડી જેવી શાકભાજીની વ્યાવસાયિક ખેતી માટે પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 50% અથવા 1 કરોડ રૂપિયા સુધીની સબસિડી આપવાની જોગવાઈ છે. આ સમગ્ર વિવાદ અંગે જ્યારે મીડિયા સંગઠનોએ કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરી અને તેમના કાર્યાલયનો સંપર્ક કરીને સવાલો કર્યા ત્યારે તેમના કાર્યાલયે ઈમેલ મળ્યાની પુષ્ટિ તો કરી, પરંતુ આ ગંભીર આરોપો પર મંત્રી તરફથી કોઈ સત્તાવાર જવાબ કે ટિપ્પણી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: બિહારના સ્વાસ્થ્ય મંત્રીના યોગા જોઈ લોકોએ મજાક ઉડાવતા કહ્યું- ‘બાબા રામદેવ પણ નાપાસ!
આ પણ વાંચો: રાજસ્થાનમાં પ્રસૂતાઓ જોખમમાં! સિઝેરિયન ઓપરેશન પછી 6 મહિલાઓની કિડની થઈ ફેઈલ
આ પણ વાંચો: જો તમે વધતા વજનથી પરેશાન છો તો નાસ્તામાં દહીં-કાકડીનું ફાઈબર અને પ્રોટીનયુક્ત સલાડ ખાઓ, જાણો રેસિપી
