Ahmedabad News: દેશભરમાં સાયબર ઠગાઈના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે સાયબર ગુનેગારો દ્વારા ‘BOSS SCAM’ નામની નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેમાં મોટી કંપનીઓના કર્મચારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને નાણાકીય વ્યવહારો સંભાળતા અધિકારીઓને નિશાન બનાવવામાં આવે છે.
CA અને કંપનીના કર્મચારીઓ બની રહ્યા છે ‘BOSS SCAM’ના નિશાના
સાયબર સેલના જણાવ્યા મુજબ, ઠગો બોસ અથવા ઉચ્ચ અધિકારીના નામ અથવા નંબરનો ઉપયોગ કરીને કર્મચારીઓને ZIP ફાઇલ મોકલે છે. પ્રથમ નજરે આ ફાઇલ ઓફિશિયલ અથવા તાત્કાલિક કામ સંબંધિત હોવાનું લાગે છે, જેના કારણે ઘણા લોકો તેને ખોલી દે છે.

પ્રાથમિક માહિતી મુજબ, જો આવી શંકાસ્પદ ZIP ફાઇલ ખોલવામાં આવે તો તેમાં રહેલી હાનિકારક ફાઇલ અથવા લિંકના કારણે મોબાઇલ અથવા અન્ય ડિવાઇસ સાથે ચેડાં થવાની શક્યતા રહે છે. કેટલીક પરિસ્થિતિઓમાં ઠગો વોટ્સએપ એકાઉન્ટ, ડિવાઇસની માહિતી અથવા અન્ય મહત્વપૂર્ણ ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે છે.
સાયબર ઠગો આ રીતથી કર્મચારીઓનો વિશ્વાસ જીતી કંપનીના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવવાનો અથવા ગોપનીય માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. અનેક લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ સાયબર સેલે ખાસ સતર્ક રહેવાની અપીલ કરી છે.
સાયબર સેલની સલાહ
બોસ (BOSS SCAM) અથવા ઓફિસના નામે આવેલી ZIP ફાઇલ તરત જ ન ખોલો.
મોકલનારની ઓળખ અન્ય માધ્યમથી ચકાસો.
અજાણી અથવા શંકાસ્પદ ફાઇલ, લિંક અથવા એપ્લિકેશનથી દૂર રહો.
જો ભૂલથી આવી ZIP ફાઇલ ખોલાઈ ગઈ હોય અથવા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. સાયબર સેલે લોકોને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃત રહેવા અને કોઈપણ શંકાસ્પદ મેસેજ અથવા ફાઇલ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં શેર માર્કેટ રોકાણના નામે 31 લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ બન્યા શિકાર
આ પણ વાંચો:Sabarmati Gas ના નામે સાયબર ઠગાઈ
