Ahmedabad News/ Sabarmati Gas ના નામે સાયબર ઠગાઈ

અમદાવાદમાં સાયબર ઠગાઈ (Cyber Fraud)નો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં સાયબર ઠગાઈ (Cyber Fraud)નો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદમાં સાયબર ઠગાઈ (Cyber Fraud)નો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાબરમતી ગેસ લિમીટેડના નામે ફેક વોટ્સએપ મેસેજ મોકલી એક વ્યક્તિના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી ઠગબાજોએ બેંક ખાતામાંથી રૂ. 6.68 લાખની રકમ ઉપાડી લીધી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

હાંસોલ વિસ્તારમાં પટેલ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય નરેશભાઈ દેવાનંદ સબનાનીને 4 મે થી 8 મે 2026 દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, “તમારું Sabarmati Gas નું કનેક્શન આજે રાત્રે 9:30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે, કારણ કે તમારું અગાઉનું બિલ અપડેટ નથી.” સાથે એક મોબાઇલ નંબર આપી ‘બિલ અપડેટ ઓફિસર’ તરીકે સંપર્ક કરવા જણાવાયું હતું.

નરેશભાઈએ જણાવ્યા મુજબ બાદમાં અજાણ્યા શખ્સે પોતે સાબરમતી ગેસ લિમીટેડ તરફથી બોલતો હોવાનું કહી મોબાઈલમાં “Sabaramati Gas Bill Update.Apk” નામની ફાઈલ મોકલી હતી. આરોપીએ જૂની એપ્લિકેશન અપડેટ ન હોવાથી નવી એપ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી હતી. વિશ્વાસમાં આવી નરેશભાઈએ APK ફાઈલ ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.

ત્યારબાદ ઠગબાજોએ નરેશભાઈના HDFC બેંક ખાતામાંથી અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 6,68,914 ટ્રાન્સફર કરી લીધા હતા. રૂપિયા કપાઈ જતાં ભોગ બનનારને છેતરપિંડીની જાણ થઈ હતી.

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા મોબાઇલ નંબર ધારકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પો.ઇ. પી.એચ. મકવાણા ચલાવી રહ્યા છે.


આ પણ વાંચો : 200 કરોડની સાયબર ઠગાઈ કરતી ગેંગના શખ્સોની ધરપકડ

આ પણ વાંચો : અમદાવાદમાં 29 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, OTP વિના બેંક ખાતાં ખાલી કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો : વડાલીના હાથયવા કંપામાં સાયબર ઠગાઈ, પટેલ નરસિંહભાઈના ખાતામાંથી 84 હજાર થી વધુ સેરવી લેવાયા!