Business News/ UPI પર ચાર્જ લાગશે? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, ફ્રી રહેવાનું કોઈ આશ્વાસન અપાયું નહોતું, 8730 કરોડની સબસિડી અપાઈ

UPI ફ્રી રહેશે કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો

Breaking News Business
UPI

Business News: દેશમાં UPI પેમેન્ટ હંમેશા માટે મફત રહેશે કે કેમ તે અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કર્યો છે. સરકારે જણાવ્યું કે વેપારીઓને શૂન્ય MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ની કાયમી વ્યવસ્થા કે મફત વ્યવહારનું કોઈ સત્તાવાર આશ્વાસન ક્યારેય અપાયું નહોતું. સાથે જ સરકારે 2000 રૂપિયાથી વધુના કેટલાક યુપીઆઈ વ્યવહારો પર MDR વસૂલવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલો

વકીલ અંજન દત્તાએ દાખલ કરેલી જનહિત અરજી (PIL)ના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court UPI) સોગંદનામું રજૂ કર્યું છે. અરજીમાં MDRની સંશોધિત વ્યવસ્થાને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવાઈ હતી. સરકારે તેને ફગાવતા કહ્યું કે વેપારીઓને સતત શૂન્ય MDR ચાલુ રાખવાનું કોઈ વિશેષ આશ્વાસન અપાયું નહોતું અને સબસિડી સરકારના વિવેક પર નિર્ભર હતી.

સરકારના મતે સંશોધિત વ્યવસ્થા વેપારીઓના વ્યવસાયના અધિકાર પર અયોગ્ય પ્રતિબંધ નથી. બંધારણ વેપાર સાથે જોડાયેલી સુવિધાઓ હંમેશા મફત મળવાની ગેરંટી આપતું નથી. શુલ્કથી વેપારીના નફામાં ઘટાડો થવો એ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી અને વેપારીઓ MDRનો બોજ ગ્રાહકો પર નાખી શકે નહીં.

2000 રૂપિયાની મર્યાદા કેમ નક્કી કરાઈ

સરકારે રકમ અને વ્યવસાયિક શ્રેણીના આધારે અલગ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી છે. સામાન્ય રિટેલ વ્યવહારો અને નાના વેપારીઓ પર વધારાનો બોજ ન પડે તે માટે 2000 રૂપિયા સુધીના P2M (પર્સનલ ટુ મર્ચન્ટ) વ્યવહારો પર શૂન્ય MDR(Zero MDR) રાખાયો છે.

મોટા મૂલ્યના વ્યવહારો પર મામૂલી શુલ્ક લગાવી શકાય છે, કારણ કે આવા વેપારીઓ તે વહન કરવાની સારી સ્થિતિમાં હોય છે. RuPay ડેબિટ કાર્ડ(RuPay Debit Card) અને UPIની ટેક્નોલોજી તથા ખર્ચનું માળખું અલગ હોવાથી બંને સાથે અલગ વ્યવહાર કરાય છે. RuPay પર ઝીરો MDR રાખવાનો હેતુ સ્વદેશી કાર્ડ નેટવર્કને પ્રોત્સાહન આપવાનો છે.

બેન્કોને 8730 કરોડ રૂપિયાની સબસિડી

સરકારે જણાવ્યું કે શૂન્ય MDR વ્યવસ્થાથી પ્રોસેસિંગનો ખર્ચ ખતમ થયો નથી, પરંતુ તેનો નાણાકીય બોજ સરકાર પર આવ્યો છે. નાણાકીય વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે ઝીરો MDR વ્યવહારો માટે હસ્તગત કરનારી બેન્કોને 8730 કરોડ રૂપિયાની સબસિડી(UPI Subsidy) અપાઈ છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાંબા સમય સુધી ટકાવવા, સાયબર સુરક્ષા મજબૂત કરવા અને ટેક્નોલોજીના વિકાસ માટે કાયમી નાણાકીય મોડેલ જરૂરી છે.

કયા UPI વ્યવહારો પર MDR નહીં લાગે

સંશોધિત વ્યવસ્થાથી યુપીઆઈના મોટાભાગના વ્યવહારો પ્રભાવિત નહીં થાય. વ્યક્તિથી વ્યક્તિ (P2P) વ્યવહારો પર રકમ ગમે તેટલી હોય, કોઈ MDR લાગશે નહીં. યુપીઆઈ QR કોડ દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધીની રકમ મેળવતા નાના વેપારીઓને પ્રસ્તાવિત શુલ્કમાંથી મુક્તિ મળશે. 2000 રૂપિયા સુધીના P2M વ્યવહારો પર શૂન્ય MDR યથાવત રહેશે. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)એ પણ સોગંદનામામાં કહ્યું છે કે આ વ્યવસ્થાથી P2M વ્યવહારોના માત્ર નાના હિસ્સા પર અસર પડશે અને આશરે 96 ટકા વ્યવહારો અપ્રભાવિત રહેશે.


આ પણ વાંચો: UPI MDR ચાર્જ દિવાળી 2026 સુધી મુલતવી
આ પણ વાંચો: હવે ચશ્માંથી જ UPI પેમેન્ટ, ₹5,000 સુધી ચૂકવણીની સુવિધા
આ પણ વાંચો: UPI ચાર્જ પર રાહત! MDR અમલ 1 જાન્યુઆરી સુધી ટળવાની શક્યતા