Porbandar New: પોરબંદરના સર્વાંગી વિકાસ અને દેશના મુખ્ય શહેરો સાથે ઝડપી હવાઈ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે આજે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. એલાયન્સ એર દ્વારા મુંબઈ–પોરબંદર–કેશોદ–અમદાવાદ તેમજ અમદાવાદ–કેશોદ–પોરબંદર–મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે, જે જિલ્લાના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

આ નવી હવાઈ સેવા શરૂ કરવામાં પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના (Arjun Modhwadia) સતત પ્રયાસો અને માર્ગદર્શન સાથે પોરબંદરના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનોના સંકલિત પ્રયાસોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

નવી ફ્લાઇટ સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર એરપોર્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ મુસાફરી કરતા યાત્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની યાત્રા સુખદ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

નવી હવાઈ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોને નવી દિશા મળશે. વેપારીઓને ઝડપી વ્યવસાયિક અવરજવર, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સરળ મુસાફરી, દર્દીઓને આરોગ્ય સેવાઓ સુધી ઝડપથી પહોંચવાની સુવિધા તેમજ પ્રવાસીઓને પોરબંદરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત વધુ સરળ બનશે.

એલાયન્સ એર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા હેઠળ ફ્લાઇટ નિર્ધારિત સમયપત્રક મુજબ મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે.

પોરબંદરના વિકાસના માર્ગે આ નવી હવાઈ સેવા એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. ઝડપી હવાઈ સંપર્કથી જિલ્લામાં વેપાર-ઉદ્યોગ, રોકાણ, રોજગારી અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે તેમજ પોરબંદરને વિકસિત અને આધુનિક શહેર તરીકે નવી ઓળખ મળશે.

આ અવસરે પોરબંદરના પ્રથમ મેયર સાગર મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગર પાલીકાના કમિશનર હસમુખ પ્રજાપતી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

