Surat News : સુરત (Surat)સાયબર ક્રાઇમ પોલીસને દેશવ્યાપી ઓનલાઈન છેતરપિંડી (Fraud)ના કેસમાં મોટી સફળતા મળી છે. વજન ઉતારવાની દવાના નામે લોકોને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી હરિયાણા ગેંગ (Haryana Gang)ના ચાર શાતિર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ માત્ર સુરતની એક ગૃહિણી પાસેથી જ ₹1.77 કરોડ પડાવી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વજન ઘટાડવાની દવા અને ખાસ સારવારની જાહેરાતો કરતા હતા. ત્યારબાદ તેઓ પોતાને ડોક્ટર, હેલ્થ એક્સપર્ટ અને એડવાઈઝર તરીકે ઓળખાવી લોકોને વિશ્વાસમાં લેતા અને અલગ-અલગ ચાર્જ, દવા, ટેસ્ટ તેમજ રિફંડના બહાને સતત પૈસા ટ્રાન્સફર કરાવતા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સમગ્ર છેતરપિંડી (Fraud)નું સંચાલન હરિયાણાના ગુરુગ્રામ ખાતે ચાલતા એક મોટા કોલ સેન્ટર પરથી થતું હતું. આરોપીઓ દિલ્હીથી ફ્લાઇટ મારફતે અલગ-અલગ શહેરોમાં જઈ રોકડ રકમ એકત્ર કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ છેલ્લા ચાર વર્ષથી દેશના અનેક રાજ્યોમાં લોકોને નિશાન બનાવી રહી હતી અને અંદાજે ₹80 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હવે ગેંગના અન્ય સભ્યો, નાણાંના પ્રવાહ અને છેતરપિંડી (Fraud)માં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતા, કોલ સેન્ટર નેટવર્ક તેમજ ડિજિટલ માધ્યમોની વધુ તપાસ કરી રહી છે. સાથે જ અન્ય રાજ્યોમાં નોંધાયેલા સમાન પ્રકારના કેસો સાથે પણ કડીઓ જોડવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર દેખાતી આરોગ્ય સંબંધિત જાહેરાતો પર આંખ મીંચીને વિશ્વાસ ન કરે. કોઈપણ પ્રકારની સારવાર, દવા કે રોકાણ પહેલાં તેની સત્તાવાર ચકાસણી કરવી અને શંકાસ્પદ કૉલ અથવા મેસેજ અંગે તાત્કાલિક સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવવી.
