Gondal News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેટકોના 66 કે.વી. સબ સ્ટેશનની બહાર રહેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટમાં વીજ પ્રવાહ ઉતરતા 35થી વધુ ઘેટા (Gondal Sheep Death)ના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
વહેલી સવારે બની દુર્ઘટના
પ્રાથમિક માહિતી મુજબ, સાજડિયાળી ગામના માલધારી હરેશભાઈ ગોવાભાઈ આજરાએ પોતાના 50થી વધુ ઘેટા (Gondal Sheep Death) ઘર નજીક આવેલા વાડામાં રાખ્યા હતા. વહેલી સવારે આશરે પાંચ વાગ્યે ઘેટાને ચરાવવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા. દોડતા ટોળામાંથી અનેક ઘેટા સબ સ્ટેશનની બહાર આવેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટના સંપર્કમાં આવ્યા હતા. પ્લેટમાં રહેલા જીવંત વીજ પ્રવાહના કારણે જોતજોતામાં 35થી વધુ ઘેટા (Gondal Sheep Death)ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ માટે અનેક વિભાગોની ટીમ દોડી આવી
ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સહિત પોલીસ, પશુચિકિત્સા વિભાગ, ફોરેન્સિક ટીમ અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વીજ પ્રવાહ કેવી રીતે આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.

વીજ વિભાગે શું કહ્યું?
વીજ વિભાગના અધિકારીએ જણાવ્યું કે સબ સ્ટેશનની બહાર એલ્યુમિનિયમ પટ્ટી દ્વારા કરવામાં આવેલું વધારાનું અર્થિંગ તેમના વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. આ સામગ્રી કોણે લગાવી અને તેના કારણે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવશે. જો કોઈની બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મૃત ઘેટા (Gondal Sheep Death) દીઠ સહાયની જોગવાઈ
સરકારી નિયમો મુજબ આવી ઘટનામાં મૃત ઘેટા દીઠ રૂ.3,000 સુધીની સહાય ચૂકવવાની જોગવાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જોકે પીડિત માલધારીઓએ આ સહાય પૂરતી ન હોવાનું કહી યોગ્ય વળતરની માંગ કરી છે.

અગાઉ પણ કરી હતી રજૂઆત
પીડિત માલધારી હરેશભાઈ આજરા અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે ખુલ્લા અર્થિંગ અંગે અગાઉ બે વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ કુલ 58 ઘેટામાંથી 47 ઘેટા મૃત્યુ પામ્યા અથવા ઇજાગ્રસ્ત થયા છે.
ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી
માલધારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃત ઘેટાના દેહ હટાવવા દેવામાં આવશે નહીં. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરનાં મુળીમાં વીજળી પડતા 48 ઘેટા-બકરા મોતને ભેટ્યા
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં સાયલા-પાળીયાદ હાઇવે પર અકસ્માતમાં 45 ઘેટા બકરાનાં મોત
આ પણ વાંચો:ટ્રકમાં આગ લગતા બાળક સહિત ત્રણ બળી ભડથું, 150 ઘેટા-બકરાના પણ મોત
