Surat News: બપોર બાદ દક્ષિણ ગુજરાત અને અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે.ત્યાકરે સુરત અને તેના અસપાસના વિસ્તારોમાં આ ભારે વરસાદના કારણે બજારો અને રસ્તાઓમાં પાણી ભરાયા છે. ત્યારે આ તકનો લાભ લઈ કડોદરાથી સુરત જતા માર્ગ પર સ્થાનિક ઉદ્યોગકારો અને કેમિકલ માફિયાઓએ મિલના કેમિકલ યુક્ત પાણીનો જાહેર રસ્તા પર નિકાલ કરીને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે.
વરસાદ (Rain)ના પાણીની આડમાં લોકોના સ્વાસ્થ સાથે ચેડાં
વરસાદ વરસતા કેમિકલ માફિયાઓ બેફામ થયા છે. વરસાદી પાણીથી રોડ- રસ્તાઓ ભરાયા છે. ત્યારે આ પાણીનો નિકાલ તંત્ર દ્વારા થયો નથી જેથી રાહદારીઓ તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પાણીનો લાભ લઈ સ્વાર્થી મિલ માલિકો રોડ પર માનવ શરીરને નુકશાનકારક એવા મિલના કેમિકલ યુક્ત ઝેરી પાણી વરસાદી પાણીમાં છોડી રહ્યાં છે. આ ઝેરી કેમિકલ વાળુ પાણી વરસાદના પાણીમાં ભળી જાય છે. અને ત્યારે તે માનવ શરીરને સ્પર્શતા ચામડીના તથા વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
હાઈવે પર ભરાયા પાણી
કડોદરાથી સુરત તરફ જતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વરેલી નજીક આવેલા રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઈવે) પર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી અને મિલોના કેમિકલવાળા પાણી ભેગા થઈ જતાં આખો રસ્તો બંધ જેવી સ્થિતિમાં મુકાયો છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં વરેલી નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર પાણીના ઊંડાણમાં ફસાઈ ગઈ હતી.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મિલ માલિકો સામે કાર્યવાહી કરવા માગ
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વરસાદની આડમાં કડોદરા અને વરેલી વિસ્તારના કેમિકલ માફિયાઓ બેફામ બની જાય છે. ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલોના સંચાલકો પોતાના પ્લાન્ટનું પ્રદૂષિત અને ઝેરી કેમિકલવાળું પાણી છૂપી રીતે વરસાદી પાણીના વહેણમાં છોડી દે છે. આ દૂષિત પાણી રોડ પર ફરી વળવાના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે આ ઉદ્યોગકારો બેખોફ બન્યા છે, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક વહીવટી તંત્ર આ કેમિકલ માફિયાઓ સામે ક્યારે કડક પગલાં લેશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: ભરૂચના જંબુસરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: સુરત: ઉધના રેલવે સ્ટેશન પર ખાખી શર્મસાર, પોલીસકર્મીએ મુસાફરને બેરહેમીથી ઢોર માર મારતો વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટની ગોંડલની ઓઇલ મિલમાં મહિલાનું મશીનમાં ફસાતા મોત
