Gujarat News : દેશના વિવિધ ઠેકાણે શ્વાનના હુમલાના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. કેટલાક બનાવોમાં લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. શ્વાનના વધતા હુમલાને લઈને એક યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં શ્વાનના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાતા યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને કડક અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
જેમાં તાજેતરના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક આદેશોને અનુરૂપ યુનિવર્સિટીએ કેમ્પસમાં શ્વાનને ખોરાક ખવડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આમ હવે કેમ્પસ વિસ્તારમાં કોઈ વ્યક્તિ શ્વાનને ખોરાક ખવડાવતી નજરે ચડશે તો તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થામાં કામ કરતી સિક્યુરિટી એજન્સીને પણ યુનિવર્સિટી તંત્રએ સખત ચેતવણી આપી છે. જો કેમ્પસમાં પ્રતિબંધ હોવા છતાં શ્વાનોને ખોરાક અપાતો જોવા મળશે તો તેની જવાબદારી સિક્યુરિટી એજન્સીની રહેશે. ઉપરાંત તેને દંડ ફટકારાવામાં આવશે.
યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનના વધતા હુમલાની ઘટનાઓને રોકવા માટે એજન્સીને સ્પષ્ટ આદેશ આપી ચૂકી છે કે તેઓ નિયમોનું કડક પાલન કરાવે, સુરક્ષા તંત્રની કામગીરી વધુ મજબૂત બનાવે અને નિયમ તોડનારની જાણ કરે. વિદ્યાર્થીઓમાં વારંવાર થતી શ્વાન એટેકની ઘટનાઓથી ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને લાઇબ્રેરી નજીક અને હોસ્ટેલ વિસ્તારમાં શ્વાનોની અવરજવર સતત વધી રહી હતી. યુનિવર્સિટીએ આ પરિસ્થિતિને કાબુમાં લેવા આ પગલું ફરજિયાત રીતે લીધું હોવાનું તંત્રનું નિવેદન છે.
આ પણ વાંચો:રાજકોટમાં જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, 5 વર્ષના બાળકને ભર્યા બચકા
આ પણ વાંચો:રખડતા શ્વાન પર સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, કહ્યું શ્વાનને ટીકાકરણ, નસબંધી બાદ છોડી દેવામાં આવશે
આ પણ વાંચો:જેતપુરના દેરડી ધારમાં રખડતા શ્વાનોનો આતંક, 4 વર્ષીય માસૂમ બાળકી પર હુમલો

