Bharuch Water Wastage: જ્યારે આખું ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીમાં પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યું છે, ત્યારે ભરૂચના ડુંગરી વિસ્તારમાંથી તંત્રની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ કરોડોના ખર્ચે બનેલી નવી ટાંકીનો વાલ્વ ખરાબ થતાં લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું.
કરોડોનો ખર્ચ પણ જાળવણી શૂન્ય
ભરૂચના ડુંગરી વિસ્તારમાં લોકોની તરસ છિપાવવા માટે અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, આ ટાંકીના મુખ્ય વાલ્વમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે ખરાબ થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ટાંકીમાં પાણીનો સંગ્રહ કરવા કે તેને વાળવા માટે પાલિકા પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નહોતી.
Bharuch : 10 લાખ લીટર પાણીનો વેડફાટ
વાલ્વ રિપેર કરવા માટે પાલિકાના તંત્રએ આખી ટાંકી ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કારણે અંદાજે 10 લાખ લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહી નીકળ્યું હતું. ભર ઉનાળે ડુંગરી વિસ્તારના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે રસ્તાઓ પર ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી.
સ્થાનિકોમાં ભારે રોષ અને અછતની ભીતિ
રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેને લઈને સ્થાનિક લોકોમાં પાલિકાની આ નબળી જાળવણી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રોષ વ્યક્ત કરતા કહે છે કે, એકતરફ ઉનાળામાં પાણી બચાવવાની મોટી વાતો થાય છે અને બીજી તરફ તંત્ર લાખો લીટર પાણી વેડફી રહ્યું છે. આટલું જ નહીં, ટાંકી ખાલી કરી દેવાતા હવે આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોએ પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડી શકે છે.
તંત્રની આ બેદરકારીએ સાબિત કર્યું છે કે કરોડોના ખર્ચે યોજનાઓ તો બને છે, પણ તેના વહીવટ અને જાળવણીમાં હજુ પણ મોટી ખામીઓ છે.
આ પણ વાંચો: ભરૂચના ઝઘડિયામાં ગોવાલી ગામે ગેરકાયદે દરગાહ હટાવાઈ
આ પણ વાંચો: ભરૂચ GIDCમાં કંપનીમાં અચાનક લાગી આગ, કામદારોમાં મચી નાસભાગ
આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં ત્રણ ઝડપાયા
