Banaskantha News/ વાવ-થરાદના માવસરી ગામની ગૌશાળામાં ₹1.24 કરોડની ઉચાપતનો આક્ષેપ, ભાજપ-કોંગ્રેસ સામસામે

બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી ગામની ગૌશાળા (Gaushala) માં ₹1.24 કરોડના કૌભાંડના આક્ષેપ સાથે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ નેતા પ્રકાશ વ્યાસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Gujarat Top Stories Others
Vav Tharad Gaushala Scam

Vav Tharad Gaushala Scam: બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ‘ગાય’ અને ‘ગૌશાળા’ રાજનીતિના કેન્દ્રમાં આવ્યા છે. વાવ તાલુકાના માવસરી ગામની ગૌશાળામાં ₹1.24 કરોડના કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કિસાન કોંગ્રેસે આ મામલે ભાજપના સ્થાનિક નેતા પર સીધા પ્રહારો કર્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

વાવ-થરાદના ધરણીધર માવસરી ગામમાં આવેલી ગૌશાળાના વહીવટમાં નાણાકીય ઉચાપત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. સરકાર તરફથી ગાયોના નિભાવ માટે મળતી સહાય અને ગૌશાળાના અન્ય વહીવટી નાણાંમાં મોટી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે.

ભાજપ નેતા પર કોંગ્રેસના પ્રહારો

કિસાન કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના ચેરમેન ઠાકરસી રબારીએ ગૌશાળાના નિભાવ ખર્ચમાં થયેલા કૌભાંડ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સીધો નિશાન માવસરી ગામના સરપંચ પતિ અને વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર સાધ્યું છે. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ગાયોના નામે ફાળવવામાં આવેલા ₹૧.૨૪ કરોડના વહીવટમાં મોટી ઉચાપત કરવામાં આવી છે. જોકે, બીજી તરફ ભાજપ નેતા પ્રકાશ વ્યાસ દ્વારા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે. હાલમાં બંને પક્ષો પોતાની પાસે મજબૂત પુરાવા હોવાના દાવા કરી રહ્યા છે, જેથી રાજકીય મામલો ગરમાયો છે.

ચૂંટણી પહેલા Gaushalaનો મુદ્દો કેમ ગાજ્યો?

બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ગૌસેવા માટે જાણીતો છે. આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ આ મુદ્દાને ચગાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ગૌશાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

હવે જોવાનું એ રહેશે કે આ ₹1.24 કરોડના હિસાબની તપાસમાં શું બહાર આવે છે અને આ ‘ગૌ-રાજનીતિ’ આગામી ચૂંટણીઓમાં કોને ફાયદો કરાવશે.


આ પણ વાંચો:સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં બાળકનો બસ સ્ટેન્ડમાં સફાઈ કરતો વીડિયો વાયરલ

આ પણ વાંચો: ભવનાથની ગૌશાળાનો સાધુ કલ્યાણગીરીની સાઇબર ક્રાઇમના ગુનામાં ધરપકડ

આ પણ વાંચો: સાંઢવાયા ગૌશાળામાં કરુણ દૃશ્ય: એક જ દિવસમાં 80 ગાયોના મૃત્યુ