Uttarakhand News : ઉત્તરાખંડના ચર્ચાસ્પદ અંકિતા ભંડારી (Ankita Bhandari) મર્ડર કેસ સાથે જોડાયેલા કથિત ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. દેહરાદૂન પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે હરિદ્વારના બુગ્ગાવાલા વિસ્તારમાં કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી હતી.
ભાજપના એક નેતાનું નામ અંકિતા ભંડારી (Ankita Bhandari) હત્યાકાંડ સાથે જોડવામાં આવ્યું
આ સમગ્ર મામલો એક કથિત ઓડિયો ક્લિપ (Audio Clip)ને લઈને શરૂ થયો હતો, જેમાં ભાજપના એક નેતાનું નામ અંકિતા ભંડારી (Ankita Bhandari) હત્યાકાંડ (Murder Case)સાથે જોડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો અને વીડિયો ક્લિપ્સને લઈને ગંભીર ફરિયાદો મળી હતી, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુરેશ રાઠોડ અને ઉર્મિલા સનાવર સાથે જોડાયેલી કેટલીક ઓડિયો-વીડિયો ક્લિપ્સ જાણીજોઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી હતી. તેમનું કહેવું હતું કે આ કથિત કન્ટેન્ટનો હેતુ ભાજપના નેતાઓની છબીને નુકસાન પહોંચાડવાનો હતો.

આ ઉપરાંત આરતી ગૌર નામની મહિલાએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી માહિતી ભ્રામક અને બદનામી કરવાના ઈરાદાથી શેર કરવામાં આવી હતી.
બીજી તરફ સુરેશ રાઠોડે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દેહરાદૂન અને હરિદ્વાર જિલ્લામાં નોંધાયેલી ચાર FIRને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં પડકારી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બે FIR રદ કરી દીધી હતી, પરંતુ આરતી ગૌર અને દુષ્યંત ગૌતમની ફરિયાદ આધારિત બાકીની બે FIR અંગે તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનાનો મામલો સામે આવે છે. કોઈ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા મારફતે જઘન્ય હત્યાકાંડ સાથે જોડીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગંભીર બાબત છે અને તેની વિસ્તૃત તપાસ જરૂરી છે.
હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસમાં ઝડપ લાવી અને અંતે પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ કરી. હવે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી અને પોલીસ તપાસ પર સૌની નજર છે.
