Sabarkantha News : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં વર્ષ 2023માં બનેલી સલૂન સંચાલકની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને “રેરેસ્ટ ઓફ ધ રેર” ગણાવી બે મુખ્ય આરોપીઓને ફાંસીની સજા (Death Penalty) સંભળાવી છે, જ્યારે અન્ય એક આરોપીને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ અને સાક્ષીઓના આધારે ન્યાયાધીશે મોહમ્મદ નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અન્સારી અને શહેબાજ અહેમદ મોહમ્મદ મુલતાની અન્સારીને ફાંસીની સજા (Death Penalty)ફટકારી હતી. જ્યારે પરવેઝ મુશર્રફ નૌશાદહુસેન અન્સારીને સાત વર્ષની કેદની સજા કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2023માં અકબર અબ્દુલ સલામ સાનીએ પોતાની હેરકટિંગ સલૂન મોહમ્મદ નદીમ અન્સારીને કોન્ટ્રાક્ટ પર આપી હતી. દુકાનના સામાનના બદલામાં અંદાજે રૂ. 1.50 લાખ ચૂકવવાની મૌખિક સમજૂતી થઈ હતી. જોકે, લાંબા સમય સુધી રકમ ન ચૂકવાતા અકબર સાની વારંવાર ઉઘરાણી કરી રહ્યા હતા.
11 માર્ચ 2023ના રોજ આરોપીઓએ અકબર સાની (Akbar Sani)ને પૈસા આપવાના બહાને ઈલોલ સ્થિત સલૂનમાં બોલાવ્યો હતો. ત્યાં પૂર્વ આયોજન મુજબ તેમને ખુરશી પર બેસાડી કાતર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
લાશને ડોલમાં ભરી ફેંકી દીધી
હત્યાના બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે લોહી લાગેલા કપડાં અને અન્ય વસ્તુઓ નજીકની નદીમાં ફેંકી દીધી હતી. ઉપરાંત મૃતદેહને કપડામાં લપેટી પ્લાસ્ટિકની ડોલમાં ભરી ગામની સીમમાં આવેલા નિર્જન વિસ્તારમાં ફેંકી દીધો હતો.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ગુનાને છુપાવવા માટે આરોપી મોહમ્મદ નદીમે 14 માર્ચ 2023ના રોજ અકબર સાની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, તપાસ દરમિયાન મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ઓનલાઈન સુનાવણી બાદ આવ્યો ચુકાદો
આ સંવેદનશીલ કેસની અંતિમ સુનાવણી દરમિયાન જેલમાં રહેલા ત્રણેય આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓના અભ્યાસ બાદ કોર્ટે કડક ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદાને લઈને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચર્ચા જાગી છે અને તેને ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
