Gandhinagar News/ ગાંધીનગરમાં ફરી કોરોનાને કારણે ભયનો માહોલ

કોરોના (Corona)નો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો અને નજીકના લોકોની તપાસ શરૂ કરી હતી

Top Stories Gandhinagar Gujarat
ગાંધીનગરમાં લાંબા સમય બાદ કોરોના (Corona)નો નવો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ફરી સજાગ બન્યું છે

Gandhinagar News : ગાંધીનગરમાં લાંબા સમય બાદ કોરોના (Corona)નો નવો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ફરી સજાગ બન્યું છે. શહેરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 14 મહિનાથી શહેરમાં કોરોનાનો કોઈ સત્તાવાર કેસ નોંધાયો ન હતો, ત્યારે નવા કેસે આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર મૂકી દીધું છે.

માહિતી મુજબ સંક્રમિત મહિલા તાજેતરમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફરી હતી. યાત્રા બાદ તેમને શરદી, ઊધરસ અને તાવ જેવા લક્ષણો દેખાવા લાગ્યા હતા. શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેક્શન હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા કરાયેલા કોરોના (Corona)ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના (Corona)નો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો અને નજીકના લોકોની તપાસ શરૂ કરી હતી. પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અન્ય વ્યક્તિમાં સંક્રમણ જોવા મળ્યું નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે ગાંધીનગરમાં છેલ્લો કોરોના કેસ એપ્રિલ 2025 દરમિયાન નોંધાયો હતો. ત્યારબાદ શહેર કોરોના મુક્ત બન્યું હતું. હવે જૂન 2026માં ફરી કેસ સામે આવતા આરોગ્ય વિભાગે ખાસ કરીને પ્રવાસથી પરત ફરતા નાગરિકોને સાવચેતી રાખવા, તાવ-શરદી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા અને જરૂરિયાત મુજબ માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અને સમયસરની તપાસ દ્વારા સંક્રમણના ફેલાવાને રોકી શકાય છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તેવા તમામ પગલાં લેવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો : કોરોના બાદ હવે ઇબોલા વાયરસનો ખતરો? દિલ્હી એરપોર્ટ પર DGHS એ જાહેર કરી એડવાઇઝરી

આ પણ વાંચો : કોરોના સમયગાળામાં કાર્યરત 10 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી વંચિત કરાતા સાંસદ ધવલ પટેલના સુચનથી પરત લેવાયા

આ પણ વાંચો : દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે, પંજાબ સરકારે એડવાઇઝરી જારી કરી, માસ્ક પહેરવાની સલાહ આપી