Ahmedabad News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) લાંબા સમયથી કાયદાથી બચી રહેલા અને ફાંસીની સજા પામેલા એક આરોપીને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. વર્ષ 2013માં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો સતીષ રૂપારેલિયા ઉર્ફે સંજય ઠક્કર છેલ્લા ઘણા વર્ષોથી નકલી ઓળખ સાથે અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમે તેને ટ્રેસ કરીને ઝડપી લીધો છે.
શું હતો સમગ્ર કેસ?
આ સમગ્ર મામલો વર્ષ 1994માં બનેલી એક ચોંકાવનારી હત્યા અને લૂંટની ઘટનાથી જોડાયેલો છે. 22 ઓક્ટોબર, 1994ના રોજ એક કાપડ વેપારીને સસ્તા ભાવે કાપડ આપવાના બહાને હોટેલમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં આરોપીએ વેપારી પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લીધા હતા.લૂંટ બાદ પોતાની ઓળખ બહાર ન આવે તે માટે આરોપીએ વેપારીની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખુલ્યો હતો અને કેસમાં સતીષ રૂપારેલિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપવામાં આવ્યો હતો.
કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા
સેશન્સ કેસ નંબર 56/1995 હેઠળ અમદાવાદની એડિશનલ સિટી સેશન્સ કોર્ટે એપ્રિલ 2000માં આરોપીને હત્યા, લૂંટ અને ગુનાઈત કાવતરાના ગુનામાં દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી. કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ બોમ્બે પોલીસ એક્ટની વિવિધ કલમો લાગુ કરવામાં આવી હતી.
પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર
જેલ સજા દરમિયાન વર્ષ 2013માં સતીષ રૂપારેલિયાને પેરોલ પર કામચલાઉ મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ પેરોલની મુદત પૂર્ણ થયા બાદ તેણે જેલમાં પરત ફરવાનું ટાળ્યું અને ફરાર થઈ ગયો હતો.છેલ્લા 13 વર્ષ દરમિયાન આરોપી સતત પોતાની ઓળખ અને રહેઠાણ બદલી રહ્યો હતો. સામાન્ય લોકોમાં ભળી જવા માટે તેણે વિવિધ નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસ માટે તેને શોધવો મુશ્કેલ બન્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)નું ખાસ ઓપરેશન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) બાતમીદારો, ટેક્નિકલ સર્વેલન્સ અને વ્યૂહાત્મક દેખરેખના આધારે આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. ખાસ ટ્રેકિંગ ટીમે લાંબા સમય સુધી ગ્રાઉન્ડવર્ક કર્યા બાદ આરોપીના છુપાયેલા સ્થળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.પોલીસે ચોક્કસ આયોજન સાથે ઓપરેશન હાથ ધરીને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ આરોપી સામે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ફરી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલ હવાલે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો પશ્ચિમ બંગાળથી ઝડપાયો
આ પણ વાંચો:Ahmedabad Crime Branchની બિનવારસી વાહનો જપ્ત કરવા ખાસ ડ્રાઇવ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો
