Iran Executes Israeli Spy: ઈઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ઈરાને એક મોટો નિર્ણય લીધો છે. ઈરાને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ માટે જાસૂસી કરવાના આરોપમાં કુરુશ કીવાની (Kurush Kiwani) નામના શખ્સને ફાંસીની સજા આપી છે. આ ઘટના બાદ મિડલ ઈસ્ટના દેશોમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.

શું હતા ગંભીર આરોપો?
કુરુશ કીવાની પર દેશદ્રોહ અને જાસૂસીના અત્યંત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે કીવાની ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને પહોંચાડતો હતો. તેણે ઈરાનના અનેક પ્રતિબંધિત અને લશ્કરી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારોની ગુપ્ત તસવીરો ખેંચીને ઈઝરાયેલને મોકલી હોવાનું પણ પુરવાર થયું હતું. આમ, દેશની આંતરિક સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકવા અને જાસૂસી કરવાના ગુના બદલ તેને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પણ સજા રાખી યથાવત
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, કીવાનીની ધરપકડ બાદ નીચલી અદાલતે તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ પુરાવાઓની ગંભીરતા જોતા ઈરાનની સુપ્રીમ કોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખી હતી. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેલ પ્રશાસન દ્વારા તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો છે.
Iranનું કડક વલણ
ઈરાન અવારનવાર ઈઝરાયેલ અથવા અન્ય વિદેશી એજન્સીઓ માટે જાસૂસી કરનારાઓ વિરુદ્ધ આ પ્રકારના કડક પગલાં લેતું આવ્યું છે. ખાસ કરીને જ્યારે ઈઝરાયેલ સાથે યુદ્ધ જેવી સ્થિતિ હોય, ત્યારે ઈરાન પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવા માંગતું નથી. આ ફાંસી દ્વારા ઈરાને અન્ય જાસૂસો અને વિદેશી એજન્સીઓને કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો:પાક–અફઘાન યુદ્ધ ભભૂક્યું: તાલિબાનનો ડ્રોન બદલો, પાક લશ્કરનાં અનેક બેસ તબાહ
આ પણ વાંચો:અફઘાનિસ્તાને પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું, સરહદ પર કર્યો નાશ
આ પણ વાંચો:2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધસમાન સ્થિતિની આશંકા! અમેરિકન થિંક ટેન્કનો મોટો દાવો
