Gujarat Judges Compulsory Retirement: ગુજરાતના ન્યાયતંત્રમાં આજે એકાએક મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત હાઇકોર્ટની કડક ભલામણને આધારે રાજ્ય સરકારે લોઅર જ્યુડિશિયરી (નીચલી અદાલતો) માં ફરજ બજાવતા 5 ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત (Compulsory Retirement) કરી દીધા છે. રાજ્યપાલની મંજૂરી બાદ કાયદા વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેર હિતમાં લેવાયો કડક નિર્ણય
ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જાળવી રાખવાના હેતુથી આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ-2005 અને સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ-2002 ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે સમગ્ર રાજ્યના વકીલ આલમ અને ન્યાયતંત્રમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

કોણ છે આ 5 ન્યાયાધીશો (Judges)?
ગુજરાત ન્યાયતંત્રમાં લેવાયેલા એક મોટા નિર્ણય હેઠળ પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે, જેમાં મોરબી, પોરબંદર, મોડાસા અને રાજકોટના જજોનો સમાવેશ થાય છે. આ યાદીમાં મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ અને ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી સામેલ છે. આ ઉપરાંત પોરબંદર ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજીની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે, જ્યારે રાજકોટના વધુ એક ન્યાયાધીશ સહિત કુલ પાંચ ન્યાયિક અધિકારીઓ સામે આ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.
ન્યાયતંત્રમાં ફફડાટનો માહોલ
સામાન્ય રીતે ન્યાયાધીશોની નિવૃત્તિની પ્રક્રિયા નિશ્ચિત હોય છે, પરંતુ આ પ્રકારે “અચાનક” અને “ફરજિયાત” નિવૃત્તિના આદેશથી લોઅર જ્યુડિશિયરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાઇકોર્ટ દ્વારા લેવાયેલા આ કડક વલણને ન્યાયતંત્રના શુદ્ધિકરણના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. વકીલો અને કાયદાકીય નિષ્ણાતોમાં આ વિષય અત્યારે ગરમાગરમ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Gujarat High Court સહિત રાજ્યમાં છ કોર્ટોને ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગ એકદમ હઠીલું અને ઘમંડીઃ ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટની કડક ચેતવણી! છૂટાછેડાના ઝઘડામાં બાળકોને હથિયાર ન બનાવો”, કસ્ટડી વિવાદમાં માતા-પિતાને ફટકાર
