New Airline Seat Rules India: જો તમે અવારનવાર વિમાનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે ખુશખબર છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા નવા નિયમો જાહેર કર્યા છે. હવે એરલાઇન્સ કંપનીઓ મન ફાવે તેમ સીટ સિલેક્શનના નામે વધારાના પૈસા વસૂલી શકશે નહીં.
Airline : 60% સીટો મફત આપવી પડશે
અત્યાર સુધી એરલાઇન્સ કંપનીઓ દ્વારા માત્ર જૂજ સીટો જ ફ્રીમાં આપવામાં આવતી હતી અને બાકીની મોટાભાગની સીટો માટે ‘પ્રીફર્ડ સીટ’ના નામે વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, હવે સરકારે આ બાબતે કડક વલણ અપનાવીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો મુસાફરોને કોઈ પણ વધારાના શુલ્ક વગર ઉપલબ્ધ કરાવવી પડશે. આ નવા નિયમને કારણે હવે હવાઈ મુસાફરો કોઈપણ વધારાનો આર્થિક બોજ ઉઠાવ્યા વગર પોતાની મનપસંદ સીટ પસંદ કરી શકશે, જે મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટી રાહત સમાન છે.

એક જ PNR પર મુસાફરી કરનારાઓને સાથે બેસાડવા પડશે
ઘણીવાર એવું બનતું હતું કે પરિવાર સાથે ટિકિટ બુક કરાવી હોવા છતાં એરલાઇન્સ કંપનીઓ મુસાફરોને અલગ-અલગ સીટો ફાળવતી હતી, જેના કારણે પ્રવાસીઓને ભારે અગવડતા પડતી હતી. હવે સરકારે આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જો મુસાફરોએ એક જ PNR હેઠળ ટિકિટ બુક કરી હોય, તો એરલાઇન્સે તેમને સાથે બેસાડવા માટેની જ પ્રાથમિકતા આપવી પડશે. આ નવા નિયમથી પરિવાર કે જૂથમાં મુસાફરી કરનારા લોકોને હવે ફ્લાઇટમાં અલગ-અલગ બેસવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને તેમની મુસાફરી વધુ સુખદ બનશે.
સસ્તું ભોજન, ફ્રી વાઇ-ફાઇ અને ‘ફ્લાયબ્રેરી’
મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે સરકારે અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી છે, જે અંતર્ગત હવે એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કેફે’ શરૂ કરવામાં આવશે જેથી મુસાફરોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે. આ ઉપરાંત, પુસ્તક પ્રેમી મુસાફરો માટે એરપોર્ટ પર ‘ફ્લાયબ્રેરી’ (Flybrary) ની સુવિધા ઊભી કરાશે જ્યાં તેઓ મફતમાં પુસ્તકો વાંચી શકશે. સાથે જ, ડિજિટલ કનેક્ટિવિટીને વેગ આપવા માટે દેશભરના એરપોર્ટ પર મુસાફરો માટે મફત વાઇ-ફાઇની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેનાથી મુસાફરીનો અનુભવ વધુ સુખદ બનશે.
એરલાઇન્સ માટે અન્ય કડક માર્ગદર્શિકા
એરલાઇન્સ કંપનીઓ માટે હવે પાલતુ પ્રાણીઓ, સંગીતના સાધનો અને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ લઈ જવા અંગેની નીતિ વધુ પારદર્શક બનાવવી ફરજિયાત રહેશે, જેથી મુસાફરોને કોઈ અસ્પષ્ટતા ન રહે. આ ઉપરાંત, જ્યારે પણ ફ્લાઇટ કેન્સલ થાય અથવા મોડી પડે, ત્યારે મુસાફરો પાસે કયા કયા કાનૂની અધિકારો છે તેની સંપૂર્ણ જાણકારી એરપોર્ટના ડિસ્પ્લે અને મોબાઈલ એપ પર સ્પષ્ટપણે દર્શાવવી પડશે. મહત્વની વાત એ છે કે, આ તમામ માહિતી હવે માત્ર અંગ્રેજી કે હિન્દીમાં જ નહીં, પરંતુ મુસાફરોની સુવિધા માટે પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે, જેથી દરેક મુસાફર પોતાના હકો વિશે જાગૃત રહી શકે.
ભારતનું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું છે. ત્યારે સરકારના આ પગલાથી મધ્યમ વર્ગના મુસાફરો માટે હવાઈ મુસાફરી વધુ સસ્તી અને સુવિધાજનક બનશે.
આ પણ વાંચો: IndiGo-એયર ઇન્ડિયા ડ્યુઓપોલીસી સામે નવી સ્પર્ધા, 2026માં ત્રણ નવી એરલાઇન્સ શરૂ થશે ફ્લાઇટ્સ
આ પણ વાંચો: ભારતનું એરલાઇન સેક્ટર એરલાઇન્સો માટે જાણે ‘ઉડતું કોફિન’
આ પણ વાંચો: કોઈ મનસ્વી ભાડા નહીં, સરકારે એરલાઇન્સ પર ભાડાની મર્યાદા લાદી
