Ahmedabad News/ નિષ્ઠુરતાની હદ! 2 દિવસના ફૂલ જેવા માસૂમને પાણીપુરીની લારીમાં મૂકી બે યુવતીઓ પલાયન

Ahmedabadના ભાટ ગામમાં બે યુવતીઓએ ૨ દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારીમાં તરછોડી દીધું. સીસીટીવી ફૂટેજના આધારે એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Abandoned Baby Case

Ahmedabad Abandoned Baby Case: માનવતાને શર્મસાર કરતી એક ઘટના અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામ નજીક પ્રકાશમાં આવી છે. અહીં બે યુવતીઓએ માત્ર બે દિવસના નવજાત શિશુને રાત્રિના અંધકારમાં પાણીપુરીની લારીમાં બિનવારસી હાલતમાં છોડી દીધું હતું. બાળકના રડવાનો અવાજ આવતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

Ahmedabad Abandoned Baby Case

Ahmedabad : શું છે સમગ્ર ઘટના?

આ ઘટના 17 માર્ચની રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસની છે, જ્યારે ભાટ ગામ પાસે આવેલી કોઠારી હોસ્પિટલ નજીક બે યુવતીઓ શંકાસ્પદ હાલતમાં લટાર મારતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, રાત્રે 8:41 વાગ્યે આ બંને યુવતીઓ એક સાંકડી ગલીમાં પ્રવેશતી દેખાય છે, જેમાં એક યુવતીના હાથમાં માસૂમ બાળક હતું અને બીજી યુવતીએ ખભે બેગ ભરાવેલી હતી. આ બંને યુવતીઓ આશરે એક મિનિટ સુધી ગલીમાં ઉભી રહીને આસપાસ કોઈ જોતું નથી તેની સતત ખાતરી કરી રહી હતી અને જેવી ગલીમાંથી પસાર થતા લોકોની અવરજવર ઓછી થઈ કે તરત જ તેમણે તક ઝડપી લીધી હતી. કોઈ જોઈ ન જાય તે રીતે ઉતાવળમાં આ યુવતીઓએ બાજુમાં પડેલી એક પાણીપુરીની લારીમાં માસૂમ બાળકને ત્યજી દીધું અને માત્ર બે જ મિનિટના ગાળામાં ત્યાંથી પલાયન થઈ ગઈ હતી.

Ahmedabad Abandoned Baby Case

સ્થાનિકોની સતર્કતા અને પોલીસ એક્શન

બાળકના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યાં માત્ર એક કપડામાં લપેટાયેલા બે દિવસના માસૂમ બાળકને ત્યજાયેલી હાલતમાં જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માનવતા દાખવી બાળકને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. હાલમાં આ નવજાત શિશુ સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યું છે અને તેની તબિયત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસ તેજ

એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં દેખાતી બંને યુવતીઓ કોણ છે? શું આ બાળક તેમાંથી જ કોઈ એકનું છે કે પછી કોઈ અન્ય મજબૂરી? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસની હોસ્પિટલોમાં છેલ્લા બે દિવસમાં થયેલી ડિલિવરીના ડેટા પણ ચેક કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:નડિયાદની શર્મસાર ઘટના! સાત દિવસનાં નવજાત શિશુને અનાથ આશ્રમમાં છોડી દીધું

આ પણ વાંચો:પિતા જન્મ પ્રમાણપત્ર લેવા ગયા…નવજાત શિશુઓ હુમલામાં હોમાઈ ગયા