Gujarat News: ગુજરાતમાં ચોમાસાએ અચાનક વિરામ લીધો છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં રાજ્ય પરથી વાદળો ગાયબ જોવા મળતાં આગામી સાત દિવસ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદની અછત વચ્ચે ગરમીમાં વધારો અને ખેડૂતોની ચિંતા પણ વધી છે.
ગુજરાત પરથી વાદળો ગાયબ, 7 દિવસ વરસાદ (Rain)ની શક્યતા ઓછી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સેટેલાઇટ તસવીરોમાં હાલ ગુજરાત ઉપર વરસાદી વાદળોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. ચોમાસા ( Monsoon)ની સક્રિય સિસ્ટમ રાજ્યથી દૂર ખસી જતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી.
રાજ્યમાં 17 ટકા વરસાદની ઘટ
1 જૂનથી 11 જુલાઈ દરમિયાન રાજ્યમાં કુલ 162.5 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 196 મિમી વરસાદ થવો જોઈએ. એટલે કે અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાત વિસ્તારમાં 10 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
ખરીફ વાવેતર 21.74 ટકા પૂર્ણ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ખેડૂતો દ્વારા ખરીફ પાક (Kharif Crop)ના વાવેતરની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. કૃષિ વિભાગના તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 18,54,564 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર 85,30,803 હેક્ટરની સરખામણીએ 21.74 ટકા જેટલું છે. અત્યાર સુધીના વાવેતરમાં કપાસ અને મગફળીના પાકનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. આ ઉપરાંત મકાઈ, સોયાબીન, તુવેર, બાજરી અને અન્ય ખરીફ પાકોનું વાવેતર પણ વિવિધ જિલ્લાઓમાં પ્રગતિ પર છે.
વરસાદની શરૂઆત સારા પ્રમાણમાં થતાં ખેડૂતો (Farmers)ને વાવેતરમાં ગતિ મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદમાં વિરામ આવતાં હવે ખેડૂતોની નજર આગામી વરસાદ પર ટકેલી છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો નવા વાવેલા પાકના વિકાસ પર અસર પડી શકે છે અને સિંચાઈ પર નિર્ભરતા વધવાની શક્યતા રહેશે.
દરિયાકાંઠે માછીમારોને એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માછીમારોને આગામી બે દિવસ સાવચેત રહેવા જણાવ્યું છે. દરિયામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઝોકા 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા હોવાથી દરિયામાં ભારે કરંટ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતભરમાં વરસાદની ઘટ, પાણીની અછતથી સિંચાઇની સમસ્યાથી ખેડૂતો ચિંતાતુર
