ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વીજ કરંટની બે અલગ-અલગ દુર્ઘટનાએ ત્રણ પરિવારોમાં શોકનો માહોલ સર્જ્યો છે. સિકંદરાબાદમાં ત્રણ વર્ષના માસૂમે વીજ સોકેટમાં આંગળી નાખતાં તેનું મોત થયું, જ્યારે તેને બચાવવાનો પ્રયાસ કરતી માતાને પણ કરંટ લાગ્યો. બીજી તરફ ખુર્જામાં હાઈટેન્શન લાઇનમાં ફસાયેલી પતંગ ઉતારવાના પ્રયાસ દરમિયાન કિશોર અને તેના દાદાનું પણ કરંટ લાગવાથી મૃત્યુ થયું.
બુલંદશહેર(Bulandshahr)માં વીજ કરંટના બે બનાવ, ત્રણના કરુણ મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુલંદશહેર જિલ્લામાં વીજ કરંટના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. જેમાં ત્રણ લોકોના કરુણ મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રથમ બનાવ સિકંદરાબાદમાં સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષના બાળકનું વીજ સોકેટમાં આંગળી નાખતાં કરંટ લાગવાથી મોત થયું. બીજો બનાવ ખુર્જાથી સામે આવ્યો છે, જ્યાં હાઈટેન્શન લાઇનમાં ફસાયેલી પતંગ ઉતારવાના પ્રયાસ દરમિયાન કિશોર અને તેના દાદાનું કરંટ લાગતા મોત થયું હતું.
વીજ સોકેટમાં આંગળી નાખતા માસૂમનું મોત
સિકંદરાબાદના જમાઈપુરા વિસ્તારમાં રહેતા ગોસી મોહમ્મદની પત્ની રેશમા વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહી હતી. તે દરમિયાન ત્રણ વર્ષનો પુત્ર રહમાન ઊંઘમાંથી જાગીને મશીન પાસે ગયો અને વીજ સોકેટમાં આંગળી નાખી દીધી. જેના કારણે તેને કરંટ લાગ્યો. આ દરમિયાન બાળકને બચાવવાનો પ્રયાસ કરતી માતા રેશમાને પણ કરંટ લાગ્યો હતો. પાડોશીઓની મદદથી બાળકને સોકેટમાંથી અલગ કરવામાં આવ્યો અને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વીજ લાઇનમાં ફસાયેલ પતંગ ઉતારતાં દાદા-પૌત્રના મોત
બીજી તરફ ખુર્જાના બુર્જ ઉસ્માન વિસ્તારમાં વીજ કરંટ (Electric Shock )ની ઘટના સામે આવી છે. 12 વર્ષીય અહદ ઘરની છત પર પતંગ ઉડાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગ 11 હજાર kv ક્ષમતાવાળી હાઈટેન્શન વીજ લાઇન (High-Tension Line)માં ફસાઈ જતા તેણે લોખંડની પાઈપ વડે પતંગ ઉતારવાનો પ્રયાસ કર્યો. આ પાઈપ વીજ લાઇનને અડતાં જ અહદ કરંટની ઝપેટમાં આવી ગયો.
આ ઘટનામાં ધડાકાનો અવાજ સાંભળી દાદા ઇસરાર તેને બચાવવા દોડી આવ્યા, પરંતુ તેઓ પણ કરંટની ઝપેટમાં આવી ગયા. બંનેને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં દાદાને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે દાઝેલા અહદને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું પણ મોત થયું.
ઘટનાનો વીડિયો વાયરલ
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. વીડિયોમાં કિશોર લોખંડની પાઈપ સાથે વીજ લાઇનમાં ફસાયેલો દેખાય છે અને દાદા તેને બચાવવાનો પ્રયાસ કરતાં નજરે પડે છે. સમગ્ર મામલે પોલીસ અને વીજ વિભાગે તપાસ શરૂ કરી છે. વીજ વિભાગના અધિકારીઓએ લોકોને હાઈટેન્શન વીજ લાઇનથી સુરક્ષિત અંતર જાળવવાની અને વીજ સોકેટ તેમજ ખુલ્લા વીજ ઉપકરણો અંગે બાળકો પ્રત્યે ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે, જેથી આવા જીવલેણ અકસ્માતો અટકાવી શકાય.
આ પણ વાંચો: ગોંડલમાં વીજ કરંટથી 35થી વધુ ઘેટાના મોત: ખુલ્લા અર્થિંગ વાયરથી દુર્ઘટના, માલધારીઓનો વળતર માટે વિરોધ
આ પણ વાંચો:હાલોલ પાસે વીજ કરંટથી બે યુવકોના મોત
આ પણ વાંચો:પંચમહાલમાં સસરાને બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત
