Panchmahal News/ પંચમહાલમાં સસરાને બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત

પંચમહાલ (Panchmahal) ના ઉમરપુર ગામે હાઈટેન્શન લાઈનના કરંટથી સસરાને બચાવવા જતાં ૪૦ વર્ષીય પુત્રવધૂ સુશીલાબેનનું મોત થયું છે. જાણો હૃદયદ્રાવક ઘટનાની વિગત.

Top Stories Gujarat Others
Panchmahal Umarpur News

Panchmahal Umarpur News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સસરાનો જીવ બચાવવાની લ્હાયમાં એક બહાદુર પુત્રવધૂએ પોતાની પરવા કર્યા વગર મોતને વહાલું કર્યું છે. હાઈટેન્શન લાઇનના કરંટની ઝપેટમાં આવી જતાં 40 વર્ષીય સુશીલાબેનનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના સસરા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Panchmahal: કેવી રીતે ઘટી આ દુર્ઘટના?

મળતી વિગતો અનુસાર, રવિવારે (22 ફેબ્રુઆરી) સવારે ઉમરપુર (Umarpur) ગામના રહેવાસી રયજીભાઈ પોતાના ઘર પાસે દાતણ તોડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમનો હાથ ત્યાં નજીકથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનને અડી ગયો હતો. હાઈટેન્શન લાઇનનો પાવર એટલો પ્રચંડ હતો કે રયજીભાઈને જોરદાર આંચકો લાગ્યો અને તેઓ ત્યાં જ તરફડવા લાગ્યા હતા.

સસરાને બચાવવા જતાં પોતે પણ કરંટની લપેટમાં આવ્યા

પોતાના સસરાને મોતના મુખમાં તરફડતા જોઈ પુત્રવધૂ સુશીલાબેનથી રહેવાયું નહોતું. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સસરાને બચાવવા માટે હાથ લંબાવ્યો હતો. પરંતુ કમનસીબે, સસરાને છોડાવવાના પ્રયાસમાં સુશીલાબેન પોતે પણ વીજ કરંટના સંપર્કમાં આવી ગયા હતા. હાઈટેન્શન લાઇનનો કરંટ એટલો જોરદાર હતો કે સુશીલાબેન ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

ઘટનાને પગલે પરિવાર અને આસપાસના લોકો તાત્કાલિક બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ સુશીલાબેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા રયજીભાઈને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોતાના સસરાનો જીવ બચાવવા માટે પોતાના જીવની આહુતિ આપનાર સુશીલાબેનની બહાદુરીની આજે સમગ્ર પંચમહાલ પંથકમાં ચર્ચા થઈ રહી છે. ઉમરપુર ગામમાં આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


આ પણ વાંચો: તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરીમાં વીજ કરંટથી બે યુવકોનાં કરુણ મોત

આ પણ વાંચો: અરવલ્લીના ધનસુરામાં વીજ કરંટથી 2ના મોતથી ચકચાર

આ પણ વાંચો: સુરતમાં દુઃખદ ઘટના: ડિંડોલીમાં 13 વર્ષના છોકરાનું વીજ કરંટથી મોત