india news/ અમેરિકાના મોલમાં ભારતીય યુવક પર હુમલો, યુવક મુસ્લિમ હોવાના કારણે કરાયો હુમલો

અમેરિકાના યુટા રાજ્યમાં ભારતીય મૂળના મુસ્લિમ યુવક સોહેલ પર મોલમાં જીવલેણ ચાકુ હુમલો. આરોપીએ પોલીસ સમક્ષ માત્ર મુસ્લિમ હોવાના કારણે હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે. ગંભીર રીતે ઘાયલ સોહેલની હાલત નાજુક છે.

India Breaking News
Indian

India News: અમેરિકાના યુટા રાજ્યમાં ભારતીય મૂળના એક યુવક પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર ભારતીય સમુદાયને ઝંઝોળી નાખ્યો છે. વેસ્ટ વેલી સિટીના વેલી ફેયર મોલમાં કામ કરતા ભારતીય યુવક પર માત્ર તેના મુસ્લિમ હોવાના કારણે ચાકુથી હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ ઘટના બાદ અમેરિકામાં હેટ ક્રાઇમ અને ધાર્મિક અસહિષ્ણુતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

અમેરિકાના મોલમાં ભારતીય (Indian) યુવક પર જીવલેણ હુમલો

અમેરિકા (US)ના યુટા રાજ્યના વેસ્ટ વેલી સિટી (Valley City)માં આવેલા વેલી ફેયર મોલમાં ભારતીય મૂળના યુવક પર જીવલેણ હુમલા (Attacked)ની ઘટના સામે આવી છે. સોમવારે બનેલી આ ઘટનામાં મોલના એક સ્ટોલ પર કામ કરતા સોહેલ નામના યુવકને નિશાન બનાવીને એક વ્યક્તિએ ચાકુના આડેધડ ઘા ઝીંક્યા હતા.

હુમલો એટલો ગંભીર હતો કે સોહેલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટના બાદ મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાજર લોકોએ તરત જ ઇમર્જન્સી સેવાઓને જાણ કરતાં સોહેલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની હાલત નાજુક છે.

‘યુવક મુસ્લિમ હોવાના કારણે કર્યો હુમલો ‘ : આરોપીની કબૂલાત

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ 48 વર્ષીય પીટર માઈકલ લાર્સન (Peter Michael Larson)તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતાં જણાવ્યું કે તેણે સોહેલ પર માત્ર એટલા માટે હુમલો કર્યો કારણ કે તે મુસ્લિમ છે. આરોપીએ વધુમાં કહ્યું કે તે મુસ્લિમોને મારી નાખવા માંગે છે. આ નિવેદન બાદ પોલીસે આ ઘટનાને હેટ ક્રાઇમના દૃષ્ટિકોણથી પણ તપાસવાનું શરૂ કર્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને તેની સામે હત્યાના પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

પાણીની બોટલ માંગવાના બહાને રચ્યો હુમલાનો પ્લાન

યુટા ઇસ્લામિક સેન્ટરના ઇમામ શુઆઇબ દીને સમગ્ર ઘટનાની વિગત આપતાં જણાવ્યું કે હુમલાખોર પહેલા સોહેલના સ્ટોલ પર સામાન્ય ગ્રાહકની જેમ આવ્યો હતો.

તેણે પહેલા સોહેલનું નામ પૂછ્યું, ત્યારબાદ તે ક્યાંનો રહેવાસી છે અને તેનો ધર્મ શું છે તે અંગે પૂછપરછ કરી હતી. સોહેલે પોતાનું નામ, ભારતીય હોવાની ઓળખ અને મુસ્લિમ હોવાની માહિતી આપી હતી.

આ પછી આરોપીએ પાણીની બોટલ માંગવાનો બહાનું કર્યું હતું. સોહેલ પાણી લેવા પાછળ વળ્યો એટલામાં આરોપીએ પાછળથી ચાકુ કાઢીને તેના પર આડેધડ હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ઝડપથી થયો કે સોહેલને બચવાનો કોઈ મોકો મળ્યો નહીં.

પ્રત્યક્ષદર્શીઓની બહાદુરીથી બચ્યો સોહેલનો જીવ

ઘટના સમયે મોલમાં હાજર લોકોની સતર્કતાએ વધુ મોટી દુર્ઘટના ટાળી હતી. સોહેલના સ્ટોલની બાજુમાં આવેલી જ્વેલરી દુકાનમાં કામ કરતી લૂના નુનેઝે જણાવ્યું કે હુમલો અચાનક થયો હતો.

લૂનાએ હુમલાખોરનું ધ્યાન ભટકાવવા માટે હાથમાં આવેલી વસ્તુઓ તેના પર ફેંકી હતી. ત્યારબાદ અન્ય ગ્રાહકો અને મોલમાં હાજર લોકોએ પોતાની જાનના જોખમે હુમલાખોરને પકડી લીધો અને તેને દબોચી લીધો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી લોકોએ આરોપીને ભાગવા દીધો નહોતો. ત્યાર બાદ સ્થાનિક પોલીસ અને ઇમર્જન્સી ટીમે સોહેલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને સારવાર શરૂ કરાવી હતી.

15થી વધુ ચાકુના ઘા, પરિવાર માટે આર્થિક મદદની અપીલ

સોહેલ માટે શરૂ કરાયેલા સહાયતા અભિયાન અનુસાર હુમલાખોરે તેના શરીર પર 15થી વધુ વખત ચાકુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેની સર્જરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વધુ સારવારની જરૂર પડી શકે છે.

મિત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર સોહેલ પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય છે. તેના પરિવારમાં પત્ની અને બે નાના બાળકો છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે સોહેલ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, જેના કારણે હોસ્પિટલના ખર્ચનો બોજ પરિવાર પર આવી પડ્યો છે. આથી તેના પરિવાર અને મિત્રોએ લોકો સમક્ષ આર્થિક મદદ માટે અપીલ કરી છે, જેથી સારવારનો ખર્ચ ઉઠાવી શકાય.

આરોપીનો પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ

પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું છે કે પીટર માઈકલ લાર્સન ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે. વર્ષ 2022માં પણ તેણે પોતાના ઘરની બહાર આગ લગાવી હતી અને ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટરોને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

તે કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી અને જેલની સજા ભોગવવી પડી હતી. હવે આ નવા હુમલા બાદ તેની સામે હત્યાના પ્રયાસ, ગેરકાયદેસર શસ્ત્ર રાખવા સહિતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તેને સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ ઘટના બાદ અમેરિકામાં ભારતીય સમુદાય તેમજ મુસ્લિમ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક સામાજિક સંસ્થાઓએ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો : ‘ઈન્ડિયન ભાગી જાઓ,’ કહીને લાતો-મુક્કા મારીને અપશબ્દો કહ્યા

આ પણ વાંચો: ભારતીય મૂળની નર્સ પર અમેરિકામાં જીવલેણ હુમલો કરાયો

આ પણ વાંચો: કેનેડામાં મંદિર પર હુમલો ભારતીય સમુદાયમાં ચિંતા પેદા કરી: સરકારે કરી સખત નિંદા