sports news/ જીતેલી બાજી હારી ગયું ઇંગ્લેન્ડ! કોચ થોમસ ટુકેલની એક મોટી ભૂલ અને 39 વર્ષના મેસ્સીએ પલટી નાખ્યો ઇતિહાસ

ફિફા વર્લ્ડ કપ ( FIFA World Cup)2026 ની સેમિફાઇનલમાં કોચ થોમસ ટુકેલની અતિ-ડિફેન્સિવ ભૂલોના કારણે ઇંગ્લેન્ડ જીતેલી મેચ હારી ગયું છે. 39 વર્ષના લિયોનેલ મેસ્સીની બે જાદુઈ અસિસ્ટના દમ પર આર્જેન્ટિનાએ 2-1 થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Trending Sports
Argentina's victory in the FIFA World Cup 2026 semi-final.

જેઓ માનતા હતા કે 39 વર્ષની ઉંમરે લિયોનેલ મેસ્સીનો જાદુ ઓસરી ગયો છે, તેમને ફરી એકવાર જડબાતોડ જવાબ મળી ગયો છે. મેસ્સીએ સાબિત કરી દીધું છે કે મહાન ખેલાડીઓ માત્ર સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવવા નથી રમતા, પરંતુ જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે હારેલી બાજી કેવી રીતે જીતવી તે સારી રીતે જાણે છે. ફિફા વર્લ્ડ કપ (fifa world cup) 2026 ના રોમાંચક સેમિફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી ધૂળ ચટાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ મેચમાં મેસ્સીએ ભલે એકપણ ગોલ ન કર્યો હોય, પણ તેની બે જાદુઈ અસિસ્ટના કારણે આર્જેન્ટિના સતત બીજી વાર અને મેસ્સીના નેતૃત્વમાં ત્રીજી વખત ફાઇનલ રમવા માટે તૈયાર છે. જોકે, આ મુકાબલો જેટલો આર્જેન્ટિનાના વળતા પ્રહારનો હતો, તેટલો જ ઇંગ્લેન્ડના મેનેજર થોમસ ટુકેલની એ ભારેભખમ રણનીતિની નબળાઈનો હતો, જેના કારણે ઇંગ્લેન્ડ ફાઇનલના દરવાજેથી પાછું ફેંકાયું.

પ્રથમ હાફમાં દબદબો, ૫૫મી મિનિટે લીડ પણ છેલ્લી અડધી કલાકમાં ઇંગ્લેન્ડ ઠપ્પ

મેચની શરૂઆતથી જ ઇંગ્લેન્ડની રમત આક્રમક રહી હતી. પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો, પણ બંને પક્ષે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. મેચની ૫૫મી મિનિટે મોર્ગન રોજર્સના પાસ પર એન્થની ગોર્ડને ગોલ કરીને ઇંગ્લેન્ડને ૧-૦ થી આગળ કરી દીધું હતું. આ સમયે આર્જેન્ટિના ભારે દબાણમાં હતું, કારણ કે તેના બે મુખ્ય ડિફેન્ડર્સ લિસાન્દ્રો માર્ટિનેઝ અને ક્રિસ્ટિયન રોમેરો પહેલેથી જ યલો કાર્ડ પર રમી રહ્યા હતા. પરંતુ આ જ સુવર્ણ તક પર ઇંગ્લેન્ડના કોચે એવી રણનીતિ અપનાવી જે આખી ટીમ પર ભારે પડી ગઈ.

જ્યાં હુમલો કરવાનો હતો, ત્યાં ઇંગ્લેન્ડે કિલ્લેબંધી શરૂ કરી દીધી!

1-0 ની લીડ મળ્યા બાદ બચાવ કરવાના અતિરેકમાં થોમસ ટુકેલે કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા:

આક્રમણ હટાવી દીધું: 72 મી મિનિટે એકમાત્ર ગોલ કરનાર ધમાકેદાર સ્ટ્રાઈકર એન્થની ગોર્ડનને મેદાન બહાર કરીને ડિફેન્ડર એઝરી કોન્સાને અંદર મોકલવામાં આવ્યો. ઇંગ્લેન્ડ ૫-ડિફેન્ડર ફોર્મેશનમાં આવી ગયું.

મિડફિલ્ડ કર્યું ખાલી: 82 મી મિનિટે રીસ જેમ્સ અને ડેક્લાન રાઈસ જેવા સક્રિય પ્લેયર્સને બહાર બેસાડી ડેન બર્ન અને નિકો ઓ’રાઈલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા.

આ રક્ષણાત્મક માનસિકતાનો આર્જેન્ટિનાએ પૂરો ફાયદો ઉઠાવ્યો. આંકડા સાક્ષી પૂરે છે કે 56 મી મિનિટ પછી ઇંગ્લેન્ડ પાસે માત્ર 12 ટકા જ બોલ પઝેશન રહ્યું હતું, જ્યારે 88 ટકા સમય બોલ આર્જેન્ટિનાના પગમાં જ નાચતો રહ્યો.

મેસ્સીએ લિખિત નવો ઈતિહાસ: માત્ર 5 મિનિટમાં ખેલ ખતમ

આર્જેન્ટિનાએ રમત પર પકડ જમાવતા જ મેસ્સીએ મોરચો સંભાળ્યો. 85 મી મિનિટે મેસ્સીએ પોતાની ચતુરાઈથી શૉટ મારવાને બદલે બોક્સની બહાર એન્ઝો ફર્નાન્ડીઝને અદભુત પાસ આપ્યો અને એન્ઝોએ ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો.

વાસ્તવિક ડ્રામા હજુ બાકી હતો. સ્ટોપેજ ટાઈમની બીજી મિનિટે (90+2) મેસ્સીએ જમણી બાજુથી પોતાના નબળા પગેથી એવો અદ્ભુત અને સચોટ ક્રોસ ફેંક્યો કે અનુભવી ડિફેન્ડર જોન સ્ટોન્સ જોતો જ રહી ગયો અને લાઉતારો માર્ટિનેઝે દમદાર હેડર સાથે બોલને નેટમાં ધકેલીને સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક વિજય અપાવ્યો.

દિગ્ગજો પણ ભડક્યા: કેન અને રૂનીની આકરી પ્રતિક્રિયા

મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને નિરાશા વ્યક્ત કરી હતી: “અમે આગળ નીકળ્યા પછી આક્રમણ કરવાનું જ બંધ કરી દીધું. સેમિફાઇનલ જેવા મોટા સ્ટેજ પર માત્ર લીડ બચાવવા રમવું મોટું પાપ છે.” ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ વેઈન રૂનીએ પણ કોચ ટુકેલના રક્ષણાત્મક સબસ્ટિટ્યુશનની આકરી આલોચના કરી હતી.

૩ ફાઇનલ રમનારો બીજો કેપ્ટન બનવાની તૈયારીમાં મેસ્સી

આ જીત સાથે મેસ્સીએ ફરી સાબિત કર્યું કે શા માટે તે GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) છે. તેણે મેચમાં ૯ સફળ ડ્રિબલિંગ કર્યા અને સતત ૧૩મી ઇન્ટરનેશનલ મેચમાં ગોલ અથવા અસિસ્ટમાં સીધું યોગદાન આપ્યું છે. જો તે આગામી ફાઇનલ મેચ રમશે, તો તે બ્રાઝિલના સુપ્રસિદ્ધ કેપ્ટન કાફૂ પછી વર્લ્ડ કપની ૩ ફાઇનલ રમનારો ઇતિહાસનો માત્ર બીજો ખેલાડી બનશે. હવે ફાઇનલમાં આર્જેન્ટિનાની ટક્કર સ્પેનના યુવા જોશ (લેમિન યમાલ) સામે થવાની છે, જ્યાં મેસ્સીના અનુભવની ખરી અગ્નિપરીક્ષા થશે.


આ પણ વાંચો: MS ધોનીના કાનમાં દેખાયેલા ડિવાઈસે ચાહકોમાં જગાવી ઉત્સુકતા, જાણો શું છે તેનો ઉપયોગ

આ પણ વાંચો: ICCનો મોટો નિર્ણય: ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર, જાણો હવે કેવી રીતે રમાશે ટૂર્નામેન્ટ

આ પણ વાંચો: Virat Kohli એ ફ્લોપ ઇનિંગ્સમાં પણ રચ્યો ઇતિહાસ, 300મી ODI ઇનિંગમાં તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ