Entertainment News/ શું ‘3 ઇડિયટ્સ’ ના ફૂંગસુક વાંગડુ ખરેખર સોનમ વાંગચુક છે? આમિર ખાને કર્યો મોટો ખુલાસો

દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે આમિર ખાને (Aamir Khan)મોટો ખુલાસો કર્યો છે કે ‘3 ઇડિયટ્સ’ નું પાત્ર ‘ફૂંગસુક વાંગડુ’ સોનમ વાંગચુક પર આધારિત નહોતું અને તેમણે ચતુરના દાવાને નકાર્યો છે.

Entertainment
Aamir Khan proved 'Chatur' wrong about Phunsuk Wangdu.

લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે, જેને દેશભરમાંથી મોટું સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન સુપરસ્ટાર આમિર ખાને (Aamir Khan)આ મુદ્દે મૌન તોડીને એક મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં ‘3 ઇડિયટ્સ’ ફિલ્મના પાત્ર ‘ચતુર રામલિંગમ’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્ય અને અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિતના કલાકારોએ વાંગચુકના સમર્થનમાં સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. જોકે, આમિર ખાને હવે સ્પષ્ટ કર્યું છે કે તેમની આઇકોનિક ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ નું મુખ્ય પાત્ર ‘ફૂંગસુક વાંગડુ’ વાસ્તવમાં સોનમ વાંગચુક પ્રેરિત નહોતું અને આ માત્ર એક ગેરસમજ છે.

દિગ્દર્શક રાજકુમાર હિરાની કે મને સોનમ વિશે કોઈ ખ્યાલ જ નહોતો: આમિર ખાન

એક કાર્યક્રમ દરમિયાન આમિર ખાને આ મુદ્દે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “ના, ખરેખર આ વાત સાચી નથી, આ એક ગેરસમજ છે. જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મને મિસ્ટર સોનમ વાંગચુક વિશે કોઈ જ માહિતી નહોતી. મેં તાજેતરમાં ચતુર (ઓમી વૈદ્ય) નો એક વિડીયો જોયો હતો, જેમાં તેણે આવો દાવો કર્યો છે, પરંતુ તે હકીકત નથી. કદાચ ચતુરના મનમાં એવી ધારણા હશે, પણ હું સ્પષ્ટ કરવા માંગું છું કે ન તો ડિરેક્ટર રાજુ (રાજકુમાર હિરાની), ન તો રાઇટર અભિજાત જોશી કે ન તો મને સોનમ વિશે ખબર હતી.”

જોકે, આમિર ખાને સોનમ વાંગચુકના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, “મિસ્ટર સોનમ જે કામ કરી રહ્યા છે તે અદ્ભુત છે. તેમના કાર્યોનું સન્માન કરવા માટે એ બિલકુલ જરૂરી નથી કે તેમનું પાત્ર ‘3 ઇડિયટ્સ’ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હોય. ખુદ સોનમ વાંગચુકે પણ ભૂતકાળમાં સ્પષ્ટતા કરી છે કે આ રોલ તેમના જીવન પર આધારિત નથી.”

વાંગચુકના કથળતા સ્વાસ્થ્ય અંગે આમિરે ચિંતા વ્યક્ત કરી

સોનમ વાંગચુકની ચાલી રહેલી લાંબી ભૂખ હડતાળ અંગે ચિંતા વ્યક્ત કરતા આમિર ખાને કહ્યું, “અમે સૌ તેમના સ્વાસ્થ્ય અને જીવનને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે બધું વહેલી તકે શાંતિપૂર્ણ રીતે પાર પડે અને તેઓ પોતાના ઉપવાસ પૂરા કરીને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે

ચતુર’ ઓમી વૈદ્યની ભાવુક સોશિયલ મીડિયા અપીલ

આ અગાઉ ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વિડીયો શેર કરીને દેશના લોકોને અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું નથી ઈચ્છતો કે ફૂંગસુક વાંગડુ મૃત્યુ પામે. સોનમ વાંગચુક એક અદ્ભુત શિક્ષક, સંશોધક અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. લાંબા ઉપવાસના કારણે તેમનું બ્લડ શુગરનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. લદ્દાખ અને પર્યાવરણ સુરક્ષા અંગેની તેમની માંગણીઓ અત્યંત ગંભીર છે. તમે તેમના વિચારો સાથે સહમત હોવ કે ન હોવ, પણ દેશના આવા વિઝનરી માણસનો જીવ બચવો જરૂરી છે. લોકોએ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ.”


આ પણ વાંચો: ત્રીજા લગ્ન બાદ આમિર ખાન વિવાદમાં, લવ જેહાદના આરોપો વચ્ચે ફતવા પર પણ ચર્ચા

આ પણ વાંચો: કિંગ ખાનના ‘મન્નત’ને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, રિનોવેશન સામેની અરજી ફગાવી

આ પણ વાંચો: લવ જેહાદના આરોપો પર આમિર ખાનની એન્ટ્રી, ત્રીજા લગ્નના વિવાદ વચ્ચે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ