India News: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક સ્ટાફ નર્સની હત્યા કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે દાવો કર્યો છે કે હોસ્પિટલમાં કામ કરતા વોર્ડબોયે પોતાની પ્રેમિકા બનેલી નર્સ દ્વારા લગ્ન માટે કરવામાં આવતા દબાણથી છુટકારો મેળવવા માટે મિત્ર સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાની ફોરેન્સિક તપાસ કરાવી રહી છે.
હોસ્પિટલમાં સારવારના બહાને નર્સની હત્યા
પોલીસના જણાવ્યા મુજબ, 26 વર્ષીય નેહા હાપુડ રોડ પર આવેલી MCC હોસ્પિટલમાં સ્ટાફ નર્સ (Nurse)તરીકે ફરજ બજાવતી હતી. લગભગ એક વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું અને તેમને એક વર્ષનો પુત્ર પણ છે. શનિવારે સવારે નેહા રોજની જેમ હોસ્પિટલમાં ડ્યૂટી પર પહોંચી હતી. બપોર દરમિયાન તેની તબિયત ખરાબ હોવાનું કહી તેને હોસ્પિટલના એક રૂમમાં લઈ જવામાં આવી હતા. જ્યા આરોપી વોર્ડબોયે સારવારના બહાને ગ્લુકોઝની ડ્રિપમાં ઝેરી કેમિકલ ભેળવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દિધી.
આરોપીએ હત્યા (Murder)ને આપઘાતમાં ખપાવવા ઘડ્યો પ્લાન
પોલીસની તપાસ (Police Investigation)માં સામે આવ્યું છે કે હત્યાને આપઘાત તરીકે દર્શાવવા માટે આરોપીઓએ નકલી સુસાઇડ નોટ તૈયાર કરી હતી. સાથે જ નર્સના ખિસ્સામાં સલ્ફાસની ગોળીઓ મૂકી દેવામાં આવી હતી જેથી મૃત્યુ ઝેરી દવા ખાવાથી થયું હોવાનું લાગે. પરિવારજનોને શરૂઆતમાં હોસ્પિટલ તરફથી આપઘાતની માહિતી આપવામાં આવી હતી. જોકે, પરિવારજનોએ આ દાવાને ફગાવીને શરૂઆતથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
પરિવારનો હત્યાનો આરોપ અને પોલીસ તપાસ શરૂ કરી
નેહાના દિયર અને અન્ય પરિવારજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, નેહાને ઝેરી પદાર્થ આપીને મારી નાખવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલ (Hospital)ના CCTV ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેલ્સ, સુસાઇડ નોટ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. ઘટનાસ્થળેથી કેન્યુલા, સિરીંજ, મોબાઇલ ફોન, નોટપેડ અને શંકાસ્પદ કેમિકલ પણ જપ્ત કરીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
CCTV અને ફોરેન્સિક પુરાવાથી ખુલ્યો કેસ
પોલીસના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે વોર્ડબોય સુરેશ અને તેના મિત્ર ફરહાન પર શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન બંનેની ભૂમિકા સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નેહા અને સુરેશ વચ્ચે છેલ્લા લગભગ આઠ મહિનાથી પ્રેમસંબંધ હતો. નેહા લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, જેને કારણે સુરેશે મિત્ર સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
બંને આરોપીઓની ધરપકડ
કોતવાલી સર્કલ ઓફિસર સંગ્રામ સિંહે જણાવ્યું કે આરોપીઓએ ડ્રિપમાં ઝેરી પદાર્થ ભેળવીને નર્સને ચડાવ્યો હતો અને ત્યારબાદ ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલ ફોરેન્સિક રિપોર્ટ, ડિજિટલ પુરાવા અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે કેસને વધુ મજબૂત બનાવી રહી છે. ઝેરી કેમિકલનો પ્રકાર, તેનો સ્ત્રોત અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી
