Surat News/ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કમાલ, 11 માસની બાળકીના ગળામાં ફસાયેલી કાનની બુટ્ટી કાપકૂપ વગર બહાર કાઢી

Child Treatment: નવી સિવિલ હોસ્પિટલના ENT ડોક્ટરોએ 11 માસની બાળકીના ગળામાં ફસાયેલી કાનની બુટ્ટી એન્ડોસ્કોપીથી કાપકૂપ વગર બહાર કાઢી. નિઃશુલ્ક સારવારથી પરિવારને મોટી રાહત

Gujrat Trending

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ઇ.એન.ટી. (ENT) ના ડોક્ટરોએ એક જટિલ સારવાર (Child Treatment )સફળતાપૂર્વક પૂર્ણ કરીને 11 માસની બાળકીનો જીવ બચાવ્યો. બાળકીના ગળાની અન્નનળીમાં ફસાયેલી કાનની બુટ્ટીને કોઈપણ પ્રકારની કાપકૂપ કર્યા વગર એન્ડોસ્કોપી (દૂરબીન) ટેકનિકથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં આ સારવાર માટે અંદાજે રૂ.60 હજારનો ખર્ચ જણાવાયો હતો, જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સારવાર નિઃશુલ્ક કરવામાં આવી.

રમતા રમતા ગળી ગઈ કાનની બુટ્ટી

મળતી માહિતી મુજબ, સુરતના પનાસગામ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 માસની (Child Health) બાળકી ઘરમાં રમતી હતી. આ દરમિયાન જમીન પર પડેલી કાનની નાની બુટ્ટી તેણે અજાણતાં મોઢામાં મૂકી ગળી લીધી.બુટ્ટી પેટમાં જવાને બદલે અન્નનળીના ઉપરના ભાગમાં ફસાઈ જતાં બાળકીને અચાનક રડવું શરૂ થયું અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. પરિવારજનો તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ખાનગી હોસ્પિટલમાં રૂ.60 હજારનો ખર્ચ જણાવાયો

ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ તબીબોએ જણાવ્યું કે બુટ્ટી કાઢવા માટે જટિલ પ્રક્રિયા કરવી પડશે અને તેના માટે આશરે ₹60 હજારનો ખર્ચ થઈ શકે છે. આટલો ખર્ચ ઉઠાવવો શક્ય ન હોવાથી પરિવારજનો બાળકીને તરત જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

નવી સિવિલના ENT વિભાગે તાત્કાલિક સારવાર શરૂ કરી

નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ENT વિભાગની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.એક્સ-રે તપાસમાં સ્પષ્ટ થયું કે કાનની બુટ્ટી અન્નનળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. બાળકીની ઉંમર ખૂબ નાની હોવાથી ખુલ્લું ઓપરેશન કરવું જોખમી બની શકે તેમ હતું. તેથી તબીબોએ એનેસ્થેસિયા આપીને આધુનિક એન્ડોસ્કોપી ટેકનિક દ્વારા બુટ્ટી બહાર કાઢવાનો નિર્ણય લીધો.

માત્ર 30 મિનિટમાં સફળ ઓપરેશન

ENT વિભાગના નિષ્ણાત તબીબોએ અત્યંત બારીક દૂરબીન અને વિશેષ ફોરસેપ્સની ( Endoscopy) મદદથી અન્નનળીમાં પહોંચીને લગભગ 30 મિનિટની ચોકસાઈભરી પ્રક્રિયા બાદ બુટ્ટીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અન્નનળીને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું. બુટ્ટી બહાર નીકળતાં જ બાળકીની તબિયતમાં સુધારો જોવા મળ્યો અને તેણે રાહતનો શ્વાસ લીધો.

નિઃશુલ્ક સારવારથી પરિવારને મોટી રાહત

નવી સિવિલ હોસ્પિટલમાં (Government Hospital) આ સંપૂર્ણ સારવાર એકપણ રૂપિયાના ખર્ચ વગર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાની સારવારનો ખર્ચ ઉઠાવી શકતા ન હોય તેવા શ્રમિક પરિવાર માટે આ મોટી રાહત સાબિત થઈ.સફળ સારવાર બાદ બાળકીના માતા-પિતાએ નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના ડોક્ટરો અને સમગ્ર મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ આધુનિક સારવાર અને તબીબોની નિષ્ણાત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની છે.


આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત

આ પણ વાંચો: રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં

આ પણ વાંચો: CNG Price Hike: અદાણી CNGએ ફરી વધાર્યા ભાવ, પ્રતિ કિલો રૂ.2નો વધારો; જાણો નવો દર