Rajkot News: રાજકોટ શહેરમાં પોંઝી સ્કીમના (Ponzi scheme) નામે મોટા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ‘રુદ્રા ટ્રેડિંગ’ નામથી ચાલી રહેલી સ્કીમમાં રોકાણ કરનારા 300થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર લોકોએ મીડિયા સમક્ષ આવી સમગ્ર મામલો જાહેર કર્યો છે અને પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
ઊંચા વળતરના લોભમાં રોકાણ
મળતી માહિતી મુજબ આરોપીઓએ રોકાણકારોને દર મહિને આશરે 5 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને અનેક લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી. શરૂઆતમાં થોડા સમય સુધી વળતર મળતા લોકોનો વિશ્વાસ વધ્યો હતો, પરંતુ પછી અચાનક સ્કીમ ચલાવનારા બે લોકો પૈસા લઈને ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કરોડો રૂપિયાનું નુકસાન
ભોગ બનનાર લોકોના જણાવ્યા મુજબ આશરે 300થી વધુ લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. અંદાજે 70થી 80 કરોડ રૂપિયાની રકમ આ સ્કીમમાં ફસાઈ ગઈ હોવાનું કહેવામાં આવે છે.
Ponzi schemeની પોલીસ સમક્ષ રજૂઆત
આ મામલે (Ponzi scheme) પીડિત લોકોએ રાજકોટ પોલીસ કમિશનર અને DCP ક્રાઈમ સમક્ષ રજૂઆત કરી છે. ડી.સી.પી. ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ધમકીઓના આક્ષેપ
કેટલાક પીડિતોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓએ પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓ તરફથી ધમકીભર્યા સંદેશાઓ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે અરજીના આધારે સમગ્ર કેસની (Ponzi scheme) તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

