Vapi News : વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. 3ના ભાજપના બે કાઉન્સિલરો ( BJP Councillors) સામે બોગસ દસ્તાવેજોના આધારે ચૂંટણી લડી સત્તા હાંસલ કર્યાના આરોપો વચ્ચે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. વલસાડ કોર્ટના (Valsad Court) આદેશ બાદ ડુંગરા પોલીસ સ્ટેશનમાં બંને કાઉન્સિલરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદમાં ચૂંટણી દરમિયાન શૈક્ષણિક લાયકાત અને જન્મતારીખ સંબંધિત ખોટા દસ્તાવેજો રજૂ કરીને ચૂંટણી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બે કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધાઈ


આ કેસમાં ભાજપના કાઉન્સિલર (BJP Councillors) સમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી અને સુનિતા ઉમેશચંદ્ર તિવારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ફરિયાદી મોહમદ ઈમરાન અબ્દુલ રૌફ મિર્ઝાએ અદાલતમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે બંનેએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ખોટાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) અને એફિડેવિટ તૈયાર (Fake Documents Case) કરાવી ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો હતો.
શૈક્ષણિક લાયકાત અને જન્મતારીખ અંગે પ્રશ્નો
ફરિયાદ મુજબ, સમસુદ્દીન ચૌધરીએ ચૂંટણી ઉમેદવારી ફોર્મમાં વર્ષ 2007 સુધી હિન્દી વિદ્યામંદિર શાળામાં માત્ર ધોરણ-5 સુધી અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું હતું.જોકે ફરિયાદી પક્ષનો દાવો છે કે તપાસ દરમિયાન તેઓ છરવાડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 1થી 10 સુધી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, તેમના મૂળ જન્મ પ્રમાણપત્રમાં જન્મતારીખ 16 નવેમ્બર, 1998 દર્શાવાયેલી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
સગીર વયે ચૂંટણી લડ્યાનો પણ આરોપ
ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો મૂળ જન્મતારીખને માન્ય ગણવામાં આવે તો સમસુદ્દીન ચૌધરી વર્ષ 2015માં છીરી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કાયદેસર રીતે સગીર હતા.આક્ષેપ મુજબ, ચૂંટણી લડવા માટે ઉંમર વધારે દર્શાવતા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ એ જ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટના આદેશ બાદ પોલીસ કાર્યવાહી
પ્રાથમિક તબક્કે યોગ્ય કાર્યવાહી ન થતાં ફરિયાદીએ વલસાડ કોર્ટનો (Valsad Court) દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટના આદેશ બાદ 18 જુલાઈએ ડુંગરા પોલીસે BNSની કલમ 335(2), 335(3), 340(2) અને 61(2) હેઠળ બંને કાઉન્સિલરો સામે ગુનો નોંધ્યો છે.હાલ કેસની વધુ તપાસ વાપી GIDC પોલીસ (Vapi GIDC Police) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.રાજકીય વર્તુળોમાં આ કેસને લઈને ચર્ચા તેજ બની છે. જો તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના ઉપયોગના આરોપો પુરવાર થાય તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ બંને કાઉન્સિલરો (Election Fraud Case) સામે વધુ કાર્યવાહી થઈ શકે છે.બીજી તરફ, કોંગ્રેસે નૈતિક જવાબદારીના આધારે બંને કાઉન્સિલરોના રાજીનામાની માંગ કરી છે અને જરૂરી હોય તો મામલો ઉચ્ચ અદાલત સુધી લઈ જવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કમાલ, 11 માસની બાળકીના ગળામાં ફસાયેલી કાનની બુટ્ટી કાપકૂપ વગર બહાર કાઢી
આ પણ વાંચો: મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા પલટી જતા માસૂમનું મોત
