india news/ 30 વર્ષ પછી ઘરે પરત ફરશે ‘ગ્રીન બૂટ્સ’: એવરેસ્ટના ડેથ ઝોનમાં રહેલો ભારતીય જવાન દોરજે મોરુપનો મૃતદેહ પરિવારને સોંપાશે

30 વર્ષથી એવરેસ્ટના ડેથ ઝોનમાં પડેલા ‘ગ્રીન બૂટ્સ’ તરીકે જાણીતા ભારતીય જવાન દોરજે મોરુપના મૃતદેહની DNA ટેસ્ટથી ઓળખ થઈ છે. તેમનો પાર્થિવ દેહ ઓક્ટોબર સુધીમાં લદ્દાખમાં પરિવારને સોંપવાની તૈયારી.

India Breaking News
Dead body

India News: વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર છેલ્લા ત્રણ દાયકાથી બરફમાં દટાયેલો ભારતીય જવાનનો મૃતદેહ હવે પોતાના વતન પરત ફરવાની તૈયારીમાં છે. વર્ષો સુધી ‘ગ્રીન બૂટ્સ’ તરીકે ઓળખાતા આ મૃતદેહની તાજેતરમાં DNA ટેસ્ટ દ્વારા ઓળખ લાન્સ નાયક દોરજે મોરુપ તરીકે થઈ છે. 30 વર્ષની રાહ બાદ તેમના પરિવારને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પાર્થિવ દેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

30 વર્ષ બાદ ભારતીય જવાનનો મૃતદેહ (Dead body) પરિવારને સોંપાશે

માઉન્ટ એવરેસ્ટના ઉત્તર માર્ગ પર લગભગ 26,247 ફૂટની ઊંચાઈએ આવેલા ‘ડેથ ઝોન’માં છેલ્લા 30 વર્ષથી બરફમાં જામી ગયેલો ભારતીય જવાનનો મૃતદેહ હવે પોતાના પરિવાર સુધી પહોંચશે. વર્ષો સુધી આ મૃતદેહને ‘ગ્રીન બૂટ્સ’ (Green Boots)તરીકે ઓળખવામાં આવતો હતો. તાજેતરમાં થયેલા DNA પરીક્ષણ બાદ તેની ઓળખ ભારતીય સેનાના લાન્સ નાયક દોરજે મોરુપ તરીકે થઈ છે. હવે લગભગ ત્રણ દાયકાની રાહ બાદ તેમના પાર્થિવ દેહને લદ્દાખમાં રહેતા પરિવારને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ સમાચારથી પરિવારજનોમાં ભાવુકતા સાથે આશાનું નવું કિરણ જાગ્યું છે.

DNA ટેસ્ટથી ‘ગ્રીન બૂટ્સ’ની ઓળખ સ્પષ્ટ થઈ

વર્ષો સુધી પર્વતારોહણ જગતમાં એવી માન્યતા હતી કે એવરેસ્ટના ઉત્તર માર્ગ પર પડેલો ‘ગ્રીન બૂટ્સ’ તરીકે ઓળખાતો મૃતદેહ ITBPના હેડ કોન્સ્ટેબલ શેવાંગ પાલ્જોરનો હતો. જોકે તાજેતરમાં થયેલા DNA ટેસ્ટ બાદ સ્પષ્ટ થયું કે તે લાન્સ નાયક દોરજે મોરુપનો પાર્થિવ દેહ છે. આ ઓળખ બાદ તેમના પરિવારને સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે અને મૃતદેહને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

1996ના એવરેસ્ટ દુર્ઘટનામાં ગુમ થયા હતા ત્રણ ભારતીય

દોરજે મોરુપ, શેવાંગ પાલ્જોર અને સુબેદાર શેવાંગ સમનલા 1996માં તિબેટના ઉત્તર માર્ગથી એવરેસ્ટ (Mount Everest)સર કરવા નીકળેલી પ્રથમ ભારતીય ટીમના સભ્યો હતા.  10 મે, 1996ના રોજ શિખર નજીક અચાનક આવેલા ભયંકર બર્ફીલા તોફાનમાં ત્રણેય ફસાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી ‘1996 માઉન્ટ એવરેસ્ટ ડિઝાસ્ટર’ (Everest Disaster 1996)માં તે સિઝનમાં કુલ 12 પર્વતારોહકોએ જીવ ગુમાવ્યો હતો.

પત્નીની અંતિમ ઈચ્છા: એકવાર પતિને જોઈ લઉં

દોરજે મોરુપ (Dorje Morup)ની 75 વર્ષીય પત્ની કોનચોક યાંગસ્કિટ આજે પણ પતિની યાદમાં જીવી રહ્યા છે. તેઓ હાલમાં પતિના પેન્શનના આધારે જીવન નિર્વાહ કરી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, જ્યારે તેમના પુત્ર ફુંતસોગ દોરજેએ મૃતદેહ પરત લાવવાની માહિતી આપી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. સાંભળવામાં તકલીફ હોવાને કારણે તેમણે પોતાની અંતિમ ઈચ્છા કાગળ પર લખીને પુત્રને આપી હતી. તેમણે લખ્યું હતું, “હું મારા પતિને એકવાર જોઈને જ છેલ્લો શ્વાસ લેવા માંગું છું.” આ શબ્દોએ સમગ્ર પરિવારને ભાવુક બનાવી દીધો છે.

એવરેસ્ટ પર ‘ગ્રીન બૂટ્સ’ કેમ બન્યું લેન્ડમાર્ક?

1996માં બ્રિટિશ પર્વતારોહક અને ફિલ્મમેકર મેટ ડિકિન્સને પ્રથમ વખત બરફમાં પડેલા આ મૃતદેહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં આ દૃશ્યો ડોક્યુમેન્ટરી Summit Feverમાં પણ દર્શાવવામાં આવ્યા હતા. દોરજેના પગમાં લીલા રંગના પર્વતારોહણ બૂટ હોવાથી વિશ્વભરના પર્વતારોહકો તેમને ‘ગ્રીન બૂટ્સ’ તરીકે ઓળખવા લાગ્યા. જ્યાં તેમનો મૃતદેહ પડ્યો હતો તે નાની ગુફા પણ સમય જતાં ‘ગ્રીન બૂટ્સ કેવ’ તરીકે જાણીતી બની ગઈ અને એવરેસ્ટના ઉત્તર માર્ગે ચડતા પર્વતારોહકો માટે મહત્વનું લેન્ડમાર્ક બની ગઈ.

ડેથ ઝોનમાંથી મૃતદેહ બહાર લાવવો કેમ મુશ્કેલ છે?

દોરજે મોરુપનો મૃતદેહ એવરેસ્ટના 8,000 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા ‘ડેથ ઝોન’માં છે. આ વિસ્તારમાં સમુદ્ર સપાટી કરતાં માત્ર અંદાજે 33 ટકા જેટલો ઓક્સિજન ઉપલબ્ધ હોય છે, જેના કારણે માનવ શરીર ખૂબ ઝડપથી નબળું પડી જાય છે. આટલી ઊંચાઈએ હેલિકોપ્ટર પણ પહોંચી શકતા નથી અને રેસ્ક્યૂ અથવા રિકવરી ઓપરેશન માટે વિશેષ તાલીમપ્રાપ્ત પર્વતારોહકોની મદદ લેવી પડે છે. આ કારણે આવા અભિયાનો વિશ્વના સૌથી મુશ્કેલ અને જોખમી ઓપરેશનમાં ગણાય છે. એવરેસ્ટ પર અત્યાર સુધી મૃત્યુ પામેલા 340થી વધુ પર્વતારોહકોના મૃતદેહો હજુ પણ વિવિધ સ્થળોએ જ પડેલા છે, કારણ કે તેમને નીચે લાવવું અત્યંત જોખમી અને ખર્ચાળ માનવામાં આવે છે.


આ પણ વાંચો: દુનિયાના આ સુંદર પર્વત પર ગંદકી વધતા લેવાયો મહત્વનો નિર્ણય, પર્વતારોહકોની સંખ્યા સતત વધી

આ પણ વાંચો: માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

આ પણ વાંચો: પર્વતારોહક તાપી મીરા અને તેના સહયોગીઓ રહસ્યમય રીતે ગાયબ