સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે સંસદ (Parliament ) ભવનનું પરિસર રાજકીય ઘર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. ગુરુવારે સવારે સંસદની બહાર એનડીએ (NDA) અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (INDIA) બ્લોકના સાંસદો સામસામે આવી ગયા હતા અને એકબીજા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિતના અગ્રણી વિપક્ષી નેતાઓએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. જેના જવાબમાં એનડીએના સાંસદોએ પણ બેનરો સાથે પરિસરમાં વિપક્ષ સામે પ્રદર્શન યોજ્યું હતું.
NEET પેપર લીક અને પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહમાં ભારે હંગામો
ચોમાસું સત્ર દરમિયાન સતત ચોથા દિવસે દેશભરમાં ગાજેલા NEET પેપર લીક પ્રકરણ અને કોકરોચ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ગુંજ્યો હતો.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ:
ઈન્ડિયા બ્લોકના નેતાઓ અને સાંસદો નીટ પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે તેવી આક્રમક માંગ કરી રહ્યા છે.
ગૃહની કાર્યવાહી સ્થગિત:
સંસદના બંને ગૃહો—લોકસભા અને રાજ્યસભામાં સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ વેલમાં ધસી આવી ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો. હંગામો શમવાનું નામ ન લેતાં સ્પીકરે ગણતરીની મિનિટોમાં જ બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો :દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ
આ પણ વાંચો :દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત.
આ પણ વાંચો :‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત
