New Delhi News : દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલું પ્રદર્શન (Delhi Protest)આજે 33મા દિવસે પણ યથાવત રહ્યું છે. 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન થયેલી અથડામણ બાદ રાજધાનીમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે હિંસાની વિવિધ ઘટનાઓને લઈને અત્યાર સુધીમાં 10 FIR નોંધાવી છે અને સમગ્ર ઘટનાક્રમના 250થી વધુ વીડિયો તપાસી આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન (Delhi Protest)માં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સંસદ માર્ચ દરમિયાન પોલીસ અને RAF જવાનો પર હુમલો, પથ્થરમારો, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ફરજમાં અવરોધ ઉભો કરવાના આરોપો હેઠળ અલગ-અલગ કેસ નોંધાયા છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે પશ્ચિમ બંગાળમાંથી CRPFની 20 વધારાની કંપનીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. અંદાજે 2 હજાર જવાનોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. આ દળોને સંસદના ચોમાસુ સત્ર અને રાજધાનીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવશે.
આ દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને પણ મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડો. જિતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં જઈ તેમની મુલાકાત લીધી હતી.
દિલ્હી હાઈકોર્ટ આજે સોનમ વાંગચુક (Sonam Wangchuk)ના ઉપવાસ દરમિયાન પોલીસ કાર્યવાહી વિરુદ્ધ દાખલ થયેલી જાહેરહિત અરજી (PIL) પર સુનાવણી કરશે. અરજીમાં પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ, તમામ પુરાવા સુરક્ષિત રાખવા અને શાંતિપૂર્ણ પ્રદર્શનના બંધારણીય અધિકારની સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, CJPએ જણાવ્યું કે સંસદ માર્ચ દરમિયાન અટકાયતમાં લેવાયેલા તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર યોજાયેલું ધરણું સમાપ્ત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
સંસદ માર્ચ (Parliament March)દરમિયાન ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત હજુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ અને કાર્યકરો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે વિરોધ પક્ષના અનેક નેતાઓએ જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું.
