Gujarat News: રાજ્યમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં (Free Textbooks) ઘરો તેમજ શાળાઓમાં પાણી ભરાવાથી વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. હવે જે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો વરસાદના કારણે પલળી ગયા છે અથવા સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા છે, તેમને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો (Free Textbooks) ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Free Textbooks : સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મળશે લાભ
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આ નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત (Gujarat Rain Relief) વિસ્તારોની તમામ સરકારી તેમજ અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે, જેથી વરસાદના કારણે તેમનો અભ્યાસ ખોરવાય નહીં.
જિલ્લાઓ પાસેથી માંગણી મેળવી તાત્કાલિક પુસ્તકો મોકલાશે
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું કે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (DPEO)ને નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોની વિગતો તાત્કાલિક એકત્ર કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલવા સૂચના આપવામાં આવી છે. માંગણી મળતાની સાથે જ નવા પાઠ્યપુસ્તકોનો જથ્થો ઝડપથી સંબંધિત શાળાઓ સુધી પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતા ન કરવાની અપીલ
પાઠ્યપુસ્તક મંડળે અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોના વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પાઠ્યપુસ્તકોના નુકસાન અંગે ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓના પુસ્તકો ખરાબ થયા હોય તેઓએ પોતાની શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો, જેથી તેમને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય.
અભ્યાસ અટકે નહીં તે સરકારનો મુખ્ય હેતુ
રાજ્ય સરકારનું કહેવું છે કે અતિવૃષ્ટિના કારણે કોઈપણ વિદ્યાર્થીના શિક્ષણમાં વિક્ષેપ ન આવે અને ગરીબ તેમજ સામાન્ય પરિવારના બાળકોનો અભ્યાસ સતત ચાલુ રહે, તે હેતુથી આ વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વલસાડના પંડોરમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય,₹4-4 લાખની આર્થિક મદદ
આ પણ વાંચો: છોટાઉદેપુરના કવાંટમાં કીચડભર્યા રસ્તે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો કાફલો ફસાયો, JCBથી રસ્તો બનાવી પહોંચ્યા
