Chhota Udepur News: રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja)ના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રવાસ દરમિયાન અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. સરકારી કાર્યક્રમ માટે જતા સમયે તેમનો કાફલો કીચડભર્યા અને અત્યંત બિસ્માર કાચા રસ્તામાં ફસાઈ જતાં તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી.
બિસ્માર રસ્તાઓએ રોક્યો મંત્રી Rivaba Jadejaનો કાફલો
મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ સાથે કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામે નવનિર્મિત ‘કન્ટેનર શાળા’ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. જોકે ગામ તરફ જતો અંદાજે 6 કિલોમીટરનો કાચો માર્ગ ભારે વરસાદને કારણે કીચડમય, ઉબડખાબડ અને ડુંગરાળ બની ગયો હતો.
માર્ગની ખરાબ સ્થિતિને કારણે મંત્રીની સરકારી કાર આગળ વધી શકી નહોતી. ત્યારબાદ તેમને આગળનો પ્રવાસ પૂર્ણ કરવા માટે મામલતદારની ગાડીમાં બેસીને જવું પડ્યું. બીજી તરફ અધિકારીઓએ તાત્કાલિક JCB મશીન બોલાવી રસ્તા પર માટી અને કાંકરી પાથરીને માર્ગને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો.
રસ્તાનું તાત્કાલિક સમારકામ પૂર્ણ થયા બાદ મંત્રી અને અધિકારીઓનો કાફલો માંડ-માંડ માનુકલા ગામે પહોંચ્યો અને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી શક્યો.
આ ઘટનાએ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં માર્ગ સુવિધાઓની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી મોસમમાં આવા રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બની જાય છે, જેના કારણે શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પણ પ્રભાવિત થાય છે. મંત્રીના કાફલાને થયેલી હાલાકી બાદ હવે આ વિસ્તારમાં માર્ગ સુવિધાના વિકાસ અંગે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સાકર ખવડાવી વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ
આ પણ વાંચો:મંત્રી પદ સંભાળ્યા બાદ રિવાબા જાડેજાની જામનગરમાં ભવ્ય એન્ટ્રી
આ પણ વાંચો:”તમે ઔકાતમાં રહો બહુ, સ્માર્ટ બનવાની જરૂર નથી” :રિવાબા જાડેજા
