બૈરુત: કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ)ના વડા અબુ બકર અલ બગદાદીનો દિકરો અલ-બદરી સીરિયામાં માર્યો ગયો છે. ગત મંગળવારે મધ્ય સીરિયાના હોમ્સ પ્રાંતમાં આવેલ એક થર્મલ પાવર પ્લાન્ટ પર આતંકી હુમલા દરમિયાન સીરિયાઈ અને રશિયન સેનાએ તેને ઠાર માર્યો હતો.
આઈએસની ન્યૂઝ એજન્સી અમાકે અલ-બદરીના માર્યા ગયાની જાહેરાત કરી છે. એજન્સીએ રાયફલની સાથેનો તેનો ફોટો પણ પ્રસિદ્ધ કર્યો છે. એક સમયે સીરિયા અને ઈરાકના એક તૃતિયાંશ વિસ્તારો ઉપર ‘આઈએસ’નો કબજો હતો. આઈએસએ વર્ષ ૨૦૧૪માં પોતાના પ્રભાવિત વિસ્તારોમાં ખલીફા શાસનનું એલાન કર્યું હતું.
આ પછી જો કે આ આતંકી સમૂહનો વિસ્તાર ઘટતો ગયો છે. અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનના સહયોગથી ઈરાકી દળોએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈરાકમાં આઈએસની વિરુદ્ધ જીતનું એલાન કર્યું હતું. જયારે સીરિયામાં પણ આઈએસ માત્ર ત્રણ ટકા વિસ્તારમાં જ સમેટાઈને રહી ગયું છે.
હજી પણ જીવતો છે આઈએસનો વડો
આઈએસનો વડો અલ-બગદાદીના માર્યા ગયાના કેટલાય સમાચારો આવી ગયા છે, પંરતુ તે હજુ સુધી જીવતો છે. ઈરાકી ગુપ્તચર સંસ્થાના એક અધિકારીએ મે મહિનામાં કહ્યું હતું કે, તે ક્યાંક સીરિયાઈ વિસ્તારમાં છુપાઈને બેઠો છે. તેની સાથે ઈરાકી મૂળના આતંકીઓનો એક સમૂહ રહે છે. તેમનો અંતિમ ઓડિયો સંદેશો ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યો હતો.
બગદાદી પર અઢી કરોડ ડોલરનું ઇનામ
આઈએસના વડા અલ બગદાદીને ‘પૃથ્વી પરનો મોસ્ટ વોન્ટેડ’ અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેની પર અઢી કરોડ ડોલર (આશરે ૧૭૧ કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કરેલું છે. કહેવાય રહ્યું છે, તેને બે પત્ની અને પાંચ બાળકો છે, જેમાં બગદાદીને પહેલી પત્નીથી ચાર બાળકો અને બીજી પત્નીથી એક દિકરો છે.
