Rivaba Jadeja Board Exam Visit : ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો મંગલ પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા આજે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ગાંધીનગરના સેક્ટર-23 સ્થિત કડી કેમ્પસની એમ.બી. પટેલ સ્કૂલની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કર્યા હતા.
મીઠા મોં સાથે પરીક્ષાનો શુભારંભ
ભારતીય પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરવામાં આવે છે, ત્યારે શિક્ષણ મંત્રી (Education Minister) એ આ પરંપરાને જાળવી રાખી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાના આશીર્વાદ આપ્યા હતા. મંત્રીશ્રીએ દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે મળીને પ્રોત્સાહન સ્વરૂપે પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી દૂર રહીને ચિંતામુક્ત મનથી પેપર લખવા માટે ખાસ પ્રેરણા આપી હતી, જેથી તેઓ ઉત્સાહપૂર્વક પોતાની શૈક્ષણિક કારકિર્દીનું મહત્વનું સોપાન સર કરી શકે.

“પરીક્ષા એ જીવનના ઘડતરનું સોપાન છે”
વિદ્યાર્થીઓને સંબોધતા રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, “પરીક્ષા એક ઉત્સવ છે, તેને ડર્યા વગર આનંદભેર ઉજવો. આ તમારા જીવનના ઘડતરનું માત્ર એક સોપાન છે. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવમાં સહભાગી થાઓ.” તેમના આ શબ્દોએ વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર કર્યો હતો.
Rivaba Jadejaએ સુવિધાઓ અને સુરક્ષાની સમીક્ષા કરી
મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ માત્ર વિદ્યાર્થીઓ સાથે જ નહીં, પણ શાળાના સંચાલકો સાથે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પરીક્ષા કેન્દ્ર પરની બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને CCTV કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ કોઈપણ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવા વાતાવરણ બદલ તેમણે શાળા પરિવારની પ્રશંસા કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, રાજ્ય બાળ યોજનાના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રમુખ વલ્લભભાઈ પટેલ તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:”તમે ઔકાતમાં રહો બહુ, સ્માર્ટ બનવાની જરૂર નથી” :રિવાબા જાડેજા
આ પણ વાંચો:ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
