Gujarat Monsoon Update/ ગુજરાતમાં વરસાદી વિરામ વચ્ચે આફત: પંચમહાલમાં વીજળી પડતાં 65 વર્ષીય મહિલાનું મોત

ગુજરાત (Gujarat) માં વરસાદનું જોર ઘટ્યું છતાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો. પંચમહાલના નાદરવા ગામે વીજળી પડતાં 65 વર્ષીય મહિલાનું મોત થયું.

Top Stories Gujarat
gujarat

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ધોધમાર વરસાદ બાદ હવે વરસાદનું જોર થોડું ઘટ્યું છે. જોકે રાજ્યમાં હાલ એકસાથે પાંચ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 30 જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.

હાલ રાજ્ય પર અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સહિતની પાંચ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

150 તાલુકામાં વરસાદ, દાહોદમાં સૌથી વધુ નોંધાયો

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લાના લીમખેડામાં 2.01 ઈંચ, સંતરામપુરમાં 1.93 ઈંચ, ધંધુકામાં 1.77 ઈંચ અને ફતેહપુરામાં 1.73 ઈંચ નોંધાયો હતો.

જોકે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી 65 વર્ષીય મહિલા પર આકાશી વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું.

અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર

અમદાવાદ શહેરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એસજી હાઈવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે પાણી ભરાવાને કારણે અનેક ટુ-વ્હીલર બંધ પડી ગયા હતા. આ સિવાય પકવાન પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યારે આસ્ટોડિયાની ઢાળની પોળમાં જર્જરીત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

ધંધુકા-ધોલેરામાં ભારે વરસાદ, વણી તળાવ ગામ સંપર્કવિહોણું

ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે.

ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં પાણી ભરાઈ જતા ગામ ચારેય તરફથી ઘેરાઈ ગયું હતું અને બેટમાં ફેરવાઈ ગયું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમ બોટની મદદથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે.

સરદાર સરોવર ડેમમાં 69 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના મુખ્ય સરદાર સરોવર (નર્મદા ડેમ)માં કુલ ક્ષમતાના 69.25 ટકા એટલે કે 2,31,342 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થયો છે. અને રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 45.41 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાં 13 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70થી 100 ટકા અને 28 ડેમ 50થી 70 ટકા સુધી ભરાયા છે. હાલ 21 ડેમને હાઈ એલર્ટ, 5 ડેમને એલર્ટ અને 13 ડેમને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.

208 રસ્તા બંધ, STની 616 ટ્રીપો રદ

ભારે વરસાદના કારણે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 208 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

જેમાં 137 પંચાયત હસ્તકના રસ્તા, 23 અન્ય માર્ગો, 12 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસર અમદાવાદમાં 42, વલસાડમાં 40, સુરેન્દ્રનગરમાં 23 અને નવસારીમાં 18 રસ્તાઓ પર જોવા મળી છે. વરસાદની અસર GSRTCની બસ સેવામાં પણ જોવા મળી છે. હાલ 164 રૂટ પરની 616 બસ ટ્રીપ બંધ રાખવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, 53 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ખરાબ હવામાનને પગલે IMD દ્વારા દરિયાકાંઠાના માછીમારોને 27 જુલાઈથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 53,117 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 8,080 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો અને SDRFની 33 પ્લાટુન તૈનાત છે.

અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 28 અને 29 જુલાઈએ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ રહેશે.

30-31 જુલાઈએ ફરી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યા અનુસાર, આગામી 30 અને 31 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સક્રિય પાંચ હવામાન સિસ્ટમના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.


આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની એન્ટ્રી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: સાણંદમાં ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત! ખેતરમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 5 સિસ્ટમ સક્રિય; 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લામાં એલર્ટ