કેરળ હજુ પણ નીપાહ(Nipah) વાયરસના ઘાતકી ભરડામાંથી નીકળી શક્યું નથી. નીપાહ વાયરસના કહેરથી ૨૮ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું, અને આ સાથેજ કુલ મૃત્યુ આંક વધીને ૧૫ થઇ ગયો છે. કેરળના રાજ્ય સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે કરાસરી નિવાસી અખિલનો ઈલાજ કોઝીકોડ મેડીકલ કોલેજ હોસ્પિટલમાં ૨૯ મે થી ચાલી રહ્યો હતો, તેનું બુધવારે અવસાન થયું છે.

એમણે જણાવ્યું કે અન્ય બે લોકો પણ આ વાયરસના ભરડામાં આવી ગયા હોવાની ખબર છે. એમનો ઈલાજ પણ કોઝીકોડ મેડીકલ કોલેજ હોસ્પીટલમાં ચાલી રહ્યો છે. વાયરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ થયા પહેલા એમના સંપર્કમાં આવેલા ૧૩૫૩ લોકોને પણ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. નાલીકોડેમાં પણ કાલે મધુસુદન(૫૫) નામના એક શખ્શનું મૃત્યુ થયું હતું. તેમનો ઈલાજ એક લોકલ હોસ્પીટલમાં ચાલી રહ્યો હતો. મધુસુદન કોઝીકોડ જીલ્લા અદાલતમાં કામ કરતા હતા.

નીપાહ(Nipah) વાયરસ એક ખુબ ઘાતકી રોગ છે, જે મનુષ્ય અને પશુઓ બંને માટે ખતરનાક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નીપાહ વાયરસ પેરમ્બરાના એક કુવા માંથી ફેલાયો છે, જેનો લાંબા સમયથી ઉપયોગ નહતો કરાયો. આ કુવામાં ચામાંચીડીયાઓનો વસવાટ છે, જેના કારણે કુવાનું પાણી દુષિત થઇ ગયું છે.
