Gujarat News: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના (NEP 2020) અમલીકરણમાં ગુજરાતે ફરી એકવાર નવી પહેલ સાથે દેશનું નેતૃત્વ કર્યું છે. રાજ્ય હવે ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક (HPC) લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નવીન શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની પરંપરાગત રીતમાં મોટો બદલાવ આવશે.
હવે વિદ્યાર્થીની પ્રગતિ માત્ર પરીક્ષાના (NEP 2020) પરિણામોથી નક્કી નહીં થાય, પરંતુ તેની સર્જનાત્મકતા, કૌશલ્ય, રમતગમતમાં ભાગીદારી, કલા પ્રત્યેની રુચિ, જીવનમૂલ્યો અને સામાજિક વિકાસ જેવા વિવિધ પાસાઓને પણ મહત્વ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી સાથે શિક્ષક, વાલી અને સહાધ્યાયીઓનો સહયોગ પણ લેવામાં આવશે.
NEP 2020: પ્રિન્ટેડ પ્રોગ્રેસ કાર્ડના બદલે ડિજિટલ સિસ્ટમ
પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પરંપરાગત (Gujarat Education Model) પ્રિન્ટેડ પ્રોગ્રેસ કાર્ડની જગ્યાએ સંપૂર્ણ ડિજિટલ HPC વ્યવસ્થા તૈયાર કરી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે SSAના સહયોગથી ઓનલાઈન મોડ્યુલ વિકસાવ્યું છે. આ સિસ્ટમ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી જરૂરી માહિતી ઓનલાઈન દાખલ કરી શકશે.
2026-27થી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત
શૈક્ષણિક વર્ષ 2026-27થી ગુજરાતના દરેક જિલ્લામાં પસંદગીની 10 ટકા સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં HPCનો પ્રાયોગિક અમલ શરૂ કરવામાં આવશે.આ માટે શિક્ષકોને તાલીમ આપવા માટે રાજ્યના વિવિધ ઝોનમાં વર્કશોપ પણ યોજવામાં આવ્યા છે, જેથી નવી સિસ્ટમનો સરળતાથી અમલ થઈ શકે.
અન્ય રાજ્યો પણ ગુજરાત મોડેલથી પ્રેરાયા
ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના અનેક રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓએ ગુજરાતના HPC મોડેલમાં રસ દાખવ્યો છે. તેમણે આ પહેલને સમજવા માટે વર્કશોપમાં ભાગ લીધો હતો.
NCERT તરફથી ગુજરાતની પ્રશંસા
PARAKH-NCERTના CEO ડૉ. ઈન્દિરાણી ભાદુરીએ ગુજરાતની આ પહેલને દેશ માટે પ્રેરણાદાયક ગણાવી છે. અન્ય રાજ્યોના પ્રતિનિધિઓએ પણ ડિજિટલ HPC મોડેલને શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નવીનતા તરીકે વખાણ્યું છે.ગુજરાતની આ પહેલથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય શિક્ષણ ક્ષેત્રમાં ટેક્નોલોજી અને નવી વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે અને NEP-2020ના લક્ષ્યોને સાકાર કરવા માટે નવી દિશા આપી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પવન ઊર્જામાં બન્યું દેશનું નંબર-1 રાજ્ય, 16,086 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે બનાવ્યો નવો રેકોર્ડ
આ પણ વાંચો: ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો! 10 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ, કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ
