Gujarat News: ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE)ના તાજેતરના આંકડા મુજબ, 30 જૂન 2026 સુધી રાજ્યમાં પવન ઊર્જાની (Gujarat Wind Energy) સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે. આ સાથે ગુજરાત પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના મામલે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે.
Gujarat Wind Energy: વીજ ઉત્પાદનમાં પણ ગુજરાત ટોચ પર

સ્થાપિત ક્ષમતાની સાથે વીજ ઉત્પાદનના ક્ષેત્રમાં પણ ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી 33,706 મિલિયન યુનિટ (MU) વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના આશરે એક-તૃતીયાંશ જેટલું છે.
રાષ્ટ્રીય લક્ષ્યમાં ગુજરાતનું મહત્વનું યોગદાન
ભારતે વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી ( Renewable Energy) મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ દિશામાં ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રમાં સતત આગળ રહીને રાષ્ટ્રીય લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
રોકાણકારોને અનુકૂળ નીતિઓનો મળ્યો લાભ

રાજ્યમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ વાતાવરણ અને પ્રગતિશીલ નીતિઓના અમલને કારણે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ઝડપી વિકાસ નોંધાયો છે. તેના પરિણામે રાજ્યમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા (Wind Power Capacity) અને વીજ ઉત્પાદન બંનેમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારની યોજનાઓથી મળ્યો વેગ
નવીનીકરણીય ઊર્જાના વિકાસ માટે કેન્દ્ર સરકારે ગ્રીન એનર્જી કોરિડોર યોજના, ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જમાં રાહત, નેશનલ રીપાવરિંગ પોલિસી અને ઓફશોર વિન્ડ એનર્જી જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ નીતિઓના કારણે પવન ઊર્જા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી છે.
ગુજરાતે વિકસાવ્યું મજબૂત ગ્રીન એનર્જી મોડલ
ગુજરાતે પવન ઊર્જાને રાજ્યના વીજ ગ્રીડ સાથે સફળતાપૂર્વક જોડીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં મજબૂત મોડલ ઊભું કર્યું છે. દેશમાં પવન ઊર્જા માટે નીતિ અમલમાં મૂકનાર પ્રથમ રાજ્યોમાં સ્થાન મેળવનાર ગુજરાત આજે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.પવન ઊર્જાના ક્ષેત્રમાં મળેલી આ સિદ્ધિ માત્ર વીજ ઉત્પાદન પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્ય આગામી વર્ષોમાં પણ નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: સરકારી જમીન ફાળવણી હવે થશે વધુ ઝડપી: મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
આ પણ વાંચો: પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ
આ પણ વાંચો: ગુજરાતને મળી નાણાકીય સફળતા: દેવામાં સૌથી વધુ ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં 4.5% ઘટાડો
