New Delhi News: ભાજપ સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)ના ‘ગટર જનરેશન’ નિવેદન બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આ મુદ્દો ઉઠાવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કંગનાને સમજાવવાની સલાહ આપી હતી. તેમણે ચેતવણી આપી કે યુવા પેઢી (Gen-Z)નું અપમાન કરવાથી રાજકીય નુકસાન થઈ શકે છે.
Kangana Ranaut ના Gen-Z નિવેદન પર રાજ્યસભામાં હોબાળો
રાજ્યસભામાં લોક પરીક્ષા સુધારા બિલ, 2026 પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh)કંગના રનૌતનું નામ લીધા વગર તેમના નિવેદન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે રીતે નવી પેઢી એટલે કે Gen-Z માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે યોગ્ય નથી. સંજય સિંહે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને અપીલ કરતાં કહ્યું કે તેઓ પોતાના સાંસદને સમજાવે, નહીં તો દેશની યુવા પેઢી તેનો જવાબ આપશે.
નીટ વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીનો પણ ઉલ્લેખ
ચર્ચા દરમિયાન સંજય સિંહે નીટ (NEET Protest) પેપર લીક મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સરકારને સવાલ કર્યો કે 22.80 લાખ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી યોજાયેલી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હાજર રહ્યા નહોતા. તેમણે પૂછ્યું કે તેની જવાબદારી કોણ લેશે? સાથે જ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે પણ તેમણે સરકારને ઘેરી હતી.
કંગના રનૌતે શું કહ્યું હતું?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રનૌતે કેટલીક પોસ્ટ શેર કરીને Gen-Z પેઢીને ‘ગટર જનરેશન’ ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત નવી પેઢીના કેટલાક લોકો સમાજ માટે કોઈ સકારાત્મક યોગદાન આપતા નથી અને સ્વતંત્રતાના નામે નશા, દારૂ અને બેદરકાર જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. તેમણે વધુમાં નવી પેઢીની પરવરિશ અને તેમના વર્તન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ.
રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા
કંગના રનૌતના નિવેદન બાદ વિપક્ષ સતત ભાજપ પર હુમલા કરી રહ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે લોકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. એક વર્ગ કંગનાના નિવેદનને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી રહ્યો છે, જ્યારે બીજો વર્ગ તેને યુવા પેઢીનું અપમાન ગણાવી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણી અટકી, CBIના વકીલ હાજર ન રહેતા કાર્યવાહી ટળી
આ પણ વાંચો: રાખી સાવંતનો કંગના રનૌત પર પ્રહાર, ‘ચુડેલ’ કહીને જોરદાર વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો: ‘નવી પેઢીની મહિલાઓ’ પર કંગના રનૌતની વિવાદિત ટિપ્પણી, ‘ગટર-ક્લાસ’ ગણાવી આકરા પ્રહારો
