Viramgam News: વિરમગામ એસટી બસ સ્ટેશન (Bus station) છેલ્લા 10 દિવસથી વરસાદી પાણીના જળભરાવથી ઘેરાયેલું છે. બસ સ્ટેશન પર સતત પાણી ભરાયેલા રહેતાં મુસાફરો, એસટી કર્મચારીઓ અને બસ સંચાલનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
વિરમગામ Bus station માં વરસાદી પાણી ભરાયા
વિરમગામ (Viramgam)એસટી બસ સ્ટેશનમાં છેલ્લા દસ દિવસથી વરસાદી પાણી ભરાયેલા (Waterlogging) છે. બસમાં ચઢવા-ઉતરવા આવતા મુસાફરોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે સ્થિતિ વધુ કપરું બની ગઈ છે. બસની રાહ જોતા મુસાફરોને ઉભા રહેવા માટે પણ સૂકી જગ્યા મળતી નથી. ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને ચેપી રોગો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બસોના સંચાલન પર પણ પડી અસર
બસ સ્ટેશનમાં પાણી ભરાયેલા હોવાથી બસોના સંચાલન પર પણ અસર જોવા મળી રહી છે. બસોને પ્લેટફોર્મ સુધી લાવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે અને ડ્રાઇવર તેમજ કંડક્ટરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે બસોની અવરજવર ધીમી પડી છે, જેના કારણે મુસાફરોને સમયસર બસ સેવા મળી રહી નથી.
કર્મચારીઓ અને સ્થાનિકોમાં નારાજગી
એસટી વિભાગના કર્મચારીઓને પણ રોજિંદી કામગીરી દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત પાણી ભરાયેલા હોવાથી ઓફિસ વિસ્તાર અને બસ સ્ટેન્ડની કામગીરી પર અસર પડી રહી છે. સ્થાનિક વેપારીઓ અને મુસાફરો (Passenger)એ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તેનું યોગ્ય આયોજન કરવામાં આવતું નથી. સ્થાનિકો અને મુસાફરો દ્વારા તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર ડ્રેનેજ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો આગામી વરસાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ-વિરમગામ હાઇવે ફરી શરૂ, પરંતુ ટુ-વ્હીલર વાહનો પર હજુ પ્રતિબંધ
આ પણ વાંચો: ઉત્તરથી પૂર્વ ગુજરાત સુધી વરસાદનો કહેર, વિરમગામમાં હજુ પાણી અને દાહોદમાં નવો રોડ ધોવાયો
આ પણ વાંચો: વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
