Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના (RMC) આરોગ્ય વિભાગે (Rajkot Health Department)શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે મેગા સર્વેલન્સ ડ્રાઇવ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન શહેરની 41 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી વેચતી પેઢીઓમાં એકસાથે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 32 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાક તેમજ 120 લિટર એક્સપાયર થયેલા કોલ્ડડ્રિંક્સનો (Expired Cold Drinks)જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
‘જય હિન્દ મદ્રાસ કાફે’ને સીલ મારાયું
કસ્તુરબા રોડ પર આવેલી જય હિન્દ મદ્રાસ કાફેમાં તપાસ દરમિયાન ગંભીર ગંદકી, દુર્ગંધયુક્ત વાતાવરણ, ફ્રિજમાં વાસી ખોરાક (Stale Food Seized)નો સંગ્રહ તેમજ ખુલ્લામાં રાખેલા મસાલા અને તૈયાર ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. ઉપરાંત હાઇજિન અને લાયસન્સ સંબંધિત ગંભીર ખામીઓ સામે આવતા ફૂડ વિજિલન્સ ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરી દીધું હતું.
મસાલાના ત્રણ નમૂના તપાસ માટે મોકલાયા

જૂના માર્કેટ યાર્ડ વિસ્તારમાં આવેલી શ્યામ એન્ડ કંપનીમાંથી લાલ મરચા પાવડર, ધાણાજીરું પાવડર અને ટર્મરિક પાવડરના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
13 પેઢીઓને નોટિસ અને રૂ. 24 હજારનો ચાર્જ

તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર 13 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત તેમની પાસેથી કુલ રૂ. 24 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.
મવડી બાયપાસ રોડ પર આવેલી એક નમકીન પેઢીમાંથી 22 કિલો દાજીયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક સ્થળેથી 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સ અને 10 કિલો પડતર લોટનો નાશ કરવામાં આવ્યો હતો.
અન્ય 28 સ્થળોએ પણ તપાસ

આ અભિયાન દરમિયાન શહેરની અનેક જાણીતી હોટલ, ફાસ્ટ ફૂડ સેન્ટર, પાન પાર્લર અને નમકીન પેઢીઓ સહિત કુલ 28 જેટલા અન્ય સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે (Rajkot Health Department)ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આવી સઘન કાર્યવાહી ચાલુ રહેશે અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
