અમદાવાદ,
અમદાવાદમાં સ્પે. કોર્ટ દ્વારા ગોધરા ટ્રેન કાંડ મામલે ચુકાદો આવ્યો હતો. આ મામલે આજે સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં 2 આરોપી દોષિત સાબિત થયા છે અને ૩ આરોપી નિર્દોષ જાહેર થયા છે. ફારૂક ભાણા અને ઈમરાન દોષિત ઠેરવાયા છે. સ્પે. જજ એચ બી વોરા દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરી દીધો હતો.
ટોળાએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને ડબ્બાને સળગાવી દીધો હતો જેમાં 59 કાર સેવકોનાં મોત થયા હતા. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા અને કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન 1000થી વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.
આ કેસમાં 31 વ્યક્તિઓને ટ્રાયલ કોર્ટે 2011માં ગુનેગાર ઠેરવ્યા હતાં, જેમાંથી 11 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટે 63 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા.
આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી, તેમજ 63 લોકોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
